Mumbai

લોનાવલાની લોકપ્રિય ચિક્કીને જી.આઇ. ટેગ એનાયત

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
લોનાવલાની પ્રખ્યાત ચિક્કી અને માહૂર ગઢના રેણુકા માતા તાંબૂલને GI ટેગ મળ્યું છે. આ નિર્ણય ચેન્નઈના જ્યોગ્રોફિકલ ઇન્ડિકેશન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાયો છે. 1900માં કર્જત-ખંડાલા રેલવે ટ્રેકના મજૂરો માટે ભિવરાજ અગ્રવાલે ગોળ, શિંગદાણા અને મમરામાંથી બનાવેલી 'ગૂળદાણી' જ આજે 'ચિક્કી' તરીકે ઓળખાય છે, જે મહારાષ્ટ્રની 50મી GI ટેગ પ્રાપ્ત ચીજ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોનાવલાની લોકપ્રિય ચિક્કીને જી.આઇ. ટેગ એનાયત

 ગૂળદાણી  દાંતે ચોટતી હોવાથી ચિક્કી નામ પડયું

સન ૧૯૦૦માં  કર્જત- ખંડાલા  રેલવે ટ્રેકના મજૂરો માટે પોષક પદાર્થ તરીકે ચિક્કીની શરુઆત થઈ હતી

મુંબઇ - મુંબઇ અને પુણેની વચ્ચે આવેલા હિલ- સ્ટેશન લોનાવલાની લોકપ્રિય ચિક્કીને જી.આઇ.ટેગ (જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ) એનાયત કરવામાં આવ્યું છે. ચિક્કીની સાથે જ સાડાત્રણ શક્તિપીઠ પૈકી એક માહૂર ગઢ પર રેણુકા માતાના મંદિરમાં નૌવેદમાં ધરવામાં આવતા 'રેણુકા માતા તાંબૂલ'ને પણ જી.આઇ. ટેગ આપવામાં આવ્યું છે.

લોનાવલામાં   ઠેર ઠેર ચિક્કીના સ્ટોર નજરે પડે છે. દેશ- વિદેશથી આવતા ટુરિસ્ટો લોનાવલાની ચિક્કી ખરીદવાનું ભૂલતા નથી. ચિક્કીનો કરોડોનો વેપાર થાય છે. પરંતુ ઘણાંને ખબર નહીં હોય કે બ્રિટિશ રાજ વખતે મુંબઇ અને પુણે વચ્ચે રેલવે લાઇન બીછાવવાની કામગીરી સાથે આ ચિક્કીનો નાતો જોડાયેલો છે.

સન ૧૮૮૨માં  ભિવરાજ અગ્રવાલ અને તેમનો પુત્ર મગનલાલ અગ્રવાલ આગ્રાથી મુંબઇ આવ્યા. કોઇ નવો બિઝનેસ શરૃ કરવાનું વિચારતા હતા. એ અરસામાં સન ૧૯૦૦ની શરૃઆતમાં કર્જત- ખંડાલા વચ્ચે બોગદું ખોદવાની અને રેલવેના પાટા બીછાવવાની કામગીરી શરૃ કરવામાં આવી. હજારો મજૂરો કામે લગાડવામાં આવ્યા. આ મજૂરોને કોઇ સત્વવાળી ખાવાની ચીજ બનાવવાનું ભિવરાજ અગ્રવાલે વિચાર્યું. એમણે ગોળ, શિંગદાણા અને મમરા ભેગા કરીને ગૂળદાણી તૈયાર કરી. સસ્તી અને સ્વાદિષ્ટ ગૂળદાણી મજૂરોમાં લોકપ્રિય થઇ અને ફટાફટ વેંચાવા માંડી એટલે ભિવરાજ અને પુત્ર મગનલાલે રેલવેનું કામ ચાલતું હતું તેની નજીક લોનાવલામાં ગૂળદાણી બનાવવાનું એકમ શરૃ કર્યું. ગોળને કારણે દાંતમાં ચોંટતી હોવાથી કાળક્રમે ચિક્કી નામ મળ્યું એવું કહેવાય છે.

રેલવે માર્ગના નિરીક્ષણ માટે આવતા બ્રિટીશ ઇજનેરો અને અધિકારીઓને પણ ચિક્કીનો સ્વાદ દાઢે વળગ્યો. ત્યાર પછી આ બ્રિટિશ અધિકારીઓના સૂચનથી આ ગૂળદાણી રેલવે સ્ટેશનો પર પેક કરી વેંચવાનો  રેલવેએ નિર્ણય લીધા હતો.

મહારાષ્ટ્રની ૫૦ ચીજને જી.આઇ.ટેગનું માન મળ્યું

લોનાવલાની ચિક્કી અને રેણુકા માતા તાંબૂલને જી.આઇ. ટેગ એનાયત થવાની સાથે મહારાષ્ટ્રની ૫૦ ખાદ્ય-અખાદ્ય ચીજોને જી.આઇ. ટેગનું માન મળ્યું છે.

માહૂર ગઢ ઉપર રેણુકા માતા તાંબૂલનો નૌવેદ તૈયાર કરવાનું જાણતા માત્ર સાત કુટુંબ જ રહ્યાં છે. પેઢી દરપેઢીથી આ કુટુંબ માતાજીનો નૌવેદ તૈયાર કરતા આવ્યા છે. પુરણપોળી જેટલું જ તાંબૂલ નૌવેદનું મહત્વ છે. વિશિષ્ટ પ્રકારે નૌવેદ તૈયાર કરવાની સેંકડો વર્ષ જૂની આ પ્રથા ટકાવી રાખવાના પ્રયાસ રૃપે કેન્દ્ર સરકારના ચેન્નઇ ખાતેના જ્યોગ્રોફિકલ ઇન્ડિકેશન્સ ડિપાર્ટમેન્ટ તરફથી જી.આઇ. ટેગ આપવામાં આવ્યું છે.