Mumbai

ડ્રગ કેસમાં ધરપકડ માટે ગયેલી પોલીસ પર તલવાર- હોકી સ્ટીકથી હુમલો

By GS Team
3 Feb 20262 mins read
ડ્રગ કેસમાં ધરપકડ માટે ગયેલી પોલીસ પર તલવાર- હોકી સ્ટીકથી હુમલો

ઉલ્વેમાં હુમલામાં પોલીસ મિત્ર તથા ૩ કર્મચારી ઘાયલ 

મુંબઈ એન્ટી નાર્કોટિક્સની ટીમ દરોડો પાડવા ગઈ હતીઃ આઠ શકમંદો હથિયારો સાથે તૂટી પડયાઃ સ્થાનિક પોલીસને બાદમાં જાણ કરાઈ

મુંબઈ -      ડ્રગ્સ હેરાફેરી કેસમાં શંકાસ્પદોની ધરપકડ કરવા આવેલી મુંબઈ પોલીસ પર આઠ લોકોએ હુમલો કર્યો હતો. આમાં પોલીસ કર્મચારીઓ અને તેમના પોલીસ મિત્રો ઘાયલ થયા હતા. તેમની સારવાર ચાલી રહી છે.નવી મુંબઈના ઉલવે પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો સામે કેસ નોંધવામાં આવ્યો છે. હુમલાખોરોએ ચોપર, તલવાર, હોકી સ્પાઇક ફાઇટર પંચનો ઉપયોગ કર્યો હતો. ઉપરાંત એમાંથી એક પાસે દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવી હતી.

    શંકાસ્પદોના નામ ઇસ્માઇલ શેખ, શાહિદ ખાન, અયાઝ ખાન, આસિફ ખાન, મેરાજ ખાન, નિઝામ, શોએબ, મેહરાજ છે. ડ્રગ્સ હેરાફેરી કેસમાં શંકાસ્પદ વ્યક્તિને શોધવા માટે મુંબઈ પોલીસ વિભાગની એન્ટી નાર્કોટિક્સ સ્ક્વોડે  શનિવારે રાત્રે ઉલવે વિસ્તારમાં દરોડો પાડયો હતો.ઉલવેના સેક્ટર ૧૯માં શગુન ચોકમાં કેટલાક લોકો મળી આવ્યા હતા.તેમની હિલચાલ શંકાસ્પદ હતી.જ્યારે સ્ક્વોડ તેમને પકડવા ગઈ ત્યારે શંકાસ્પદ આરોપીઓએ તેમના પર હુમલો કર્યો. 

    હુમલાખોરોએ આ હુમલામાં ચોપર, દેશી બનાવટની પિસ્તોલ, તલવાર, ફાઇટર પંચ, હોકી સ્ટીકનો ઉપયોગ કર્યો હતો. પોલીસ ટીમને અપેક્ષા નહોતી કે હુમલાખોરો આ રીતે આક્રમણ કરશે.મુંબઈના આરસીએફ પોલીસ સ્ટેશનના એપીઆઈ  કિરણ માંઢરે,પોલીસ મિત્ર ફિરોઝ સિદ્દીકી, અહેમદ રઝા કુરેશી અને અતુલ જયસ્વાલ આ હુમલામાં ઘાયલ થયા હતા.

    આ ઘટનાની માહિતી મળતાં ઉલવે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન રજાને એ તાત્કાલિક પોલીસ ટીમ મોકલી હતી.આ કેસમાં શંકાસ્પદ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

  આ કાર્યવાહી માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી ન હતી. બીજા પોલીસ કમિશનરેટ વિસ્તાર કે જિલ્લા વિસ્તારમાં આવી કાર્યવાહી કરતી વખતે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવે છે. નવી મુંબઈ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવા આવેલી મુંબઈ પોલીસે આ બાબતે નવી મુંબઈ પોલીસને જાણ કરી ન હતી. સ્થાનિક પોલીસની મદદ લેવામાં ન આવી તે અંગે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. 

 બીજી તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે   કે હુમલાખોરોએ હુમલો કર્યો કારણ કે તેમને ખબર જ નહોતી કે જે લોકો આવ્યા હતા તે પોલીસની ટીમ છે.