Mumbai

સોનું ગીરવે મૂકી લોકો ઘર ચલાવી રહ્યા છે

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં RBIના આંકડા મુજબ, ભારતીયોએ સોના સામે 9.06 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે. જુલાઈમાં NBFC અને બેંકોની ગોલ્ડ લોન અનુક્રમે 3.54 લાખ કરોડ અને 5.52 લાખ કરોડ રૂપિયા હતી. લોકો દેવું કરીને સુખ-સુવિધાઓ ભોગવી રહ્યા છે, જે GDP વૃદ્ધિ વચ્ચે સામાન્ય ગૃહસ્થની કફોડી પરિસ્થિતિ દર્શાવે છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન પણ 51.5% વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનું ગીરવે મૂકી લોકો ઘર ચલાવી રહ્યા છે
  • દેવુ કરીને સુખસાહ્યબીનો ટ્રેન્ડ : યાવત જીવેત્ સુખં જીવેત્, ઋણં કૃત્વા ધૃતં પિબેત !
  • જીડીપી વધારાની વાતો વચ્ચે સામાન્ય ગૃહસ્થની કફોડી પરિસ્થિતિ ભારતીયોએ ગોલ્ડ સામે રૂ.૯.૦૬ લાખ કરોડની લોન લીધી
  • જુલાઈ મહિનાના અંત સુધીમાં એનબીએફસીની બાકી ગોલ્ડ લોનનો પોર્ટફોલિયો રૂ. ૩.૫૪ લાખ કરોડ હતો
  • બેન્કોની બાકી ગોલ્ડ લોનનો આંક રૂ. ૫.૫૨ લાખ કરોડ, કન્ઝ્યુમર ડયુરેબલ લોન ૫૧.૫ ટકા : આરબીઆઇ

મુંબઈ : સોનાના દાગીના સામે લોન આપવાના મામલે નોન બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ જુલાઈ મહિનામાં સૌથી આગળ રહી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા મુજબ, જુલાઈમાં એનબીએફસી અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ દ્વારા સોનાના દાગીના સામે આપવામાં આવેલી લોનમાં વાર્ષિક ધોરણે ૬૮.૫ ટકાનો વધારો થયો છે. કન્ઝ્યુમર ડયુરેબલ લોન વધીને ૫૧.૫ ટકા થઇ છે. આ આંકડા દર્શાવે છે કે, હવે લોકો લોન લઇને ઘર ચલાવે છે અને સુખ સુવિધા માણી રહ્યા છે.
બીજી તરફ, બેન્કોની સોનાના દાગીના સામેની લોનમાં જુલાઈમાં ૮૮.૧%ની વાર્ષિક વૃદ્ધિ થઈ હતી. જોકે, એક વર્ષ અગાઉ બેન્કોની વૃદ્ધિ ૧૩૬.૪ ટકા હતી એટલે બેન્કોમાં પણ સોનાની લોનનો બિઝનેસ વધ્યો છે, પરંતુ વૃદ્ધિની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જુલાઈના અંતે એનબીએફસીની સોનાની લોનનો બાકી પોર્ટફોલિયો આશરે રૂ. ૩.૫૪ લાખ કરોડ હતો. બેન્કો પાસે સોનાના દાગીના સામેની બાકી લોન રૂ. ૫.૫૨ લાખ કરોડ હતી. એનબીએફસી ક્ષેત્રમાં રિટેલ લોનની વિવિધ કેટેગરીમાં સોનાની સામેની લોન સૌથી ઝડપથી વધતી કેટેગરીમાં રહી હતી. બીજી તરફ, એનબીએફસી દ્વારા આપવામાં આવતી ક્રેડિટમાં ૧૪.૯ ટકાનો વધારો થયો હતો. જે આંક વધીને રૂ. ૫૯.૮૯ લાખ કરોડ પહોંચ્યો હતો. એનબીએફસી અને બેંકોની બાકી ગોલ્ડ લોનનો આંકડો રૂ. ૯.૦૬ લાખ કરોડ પહોંચ્યો છે. એટલે કે, ભારતીયોએ રૂ. ૯.૦૬ લાખ કરોડના દાગીના ગીરવે મૂકીને લોન લીધી છે. આ આંકડામાં ઘરની આસપાસ જોવા મળતા ધિરાણવાળા સામેલ નથી. બીજી તરફ, ભારતમાં નવા બિઝનેસમાં તે પ્રમાણે વધારો નથી થયો. આ ઉપરાંત ઓટો લોનના આંકડા પણ લગભગ યથાવત જોવા મળી રહ્યા છે. તે પરથી તારણ કાઢી શકાય કે, સ્કૂલ-કોલેજની ફી ભરવી, વિદેશમાં ભણતર, દૈનિક સામાન્ય ખર્ચ, બિઝનેસને ચાલુ રાખવા માટેના ખર્ચ અને વિદેશ પ્રવાસ જેવા સામાન્ય ખર્ચ માટે ગોલ્ડ લોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.