અકસ્માતના કેસોમાં સંતાનો પર કાબુ નહીં રાખતાં માં-બાપ પણ જવાબદારઃ સુપ્રીમ

પુણે પોર્શે કેસમાં લોહીના નમૂના બદલાવનારા ૩ને જામીન
વાહનો સોંપવા અને અને અનિયંત્રિત ભોગવિલાસ માટે સાધનો પૂરાં પાડવાં એ વાસ્તવિક સમસ્યા છે
મુંબઈ - સુપ્રીમ કોર્ટે સોમવારે ૨૦૨૪ ના પુણે પોર્શ અકસ્માતના સંબંધમાં લોહીના નમૂના બદલવાના કાવતરામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને જામીન આપ્યા છે. આ અકસ્માતમાં બેના મોત થયાંં હતાં. સુપ્રીમે આ કેસમાં ટિપ્પણી કરી હતી કે અકસ્મમાતોના કેસમાં સંતાનોને કાબુમાં રાખવામાં નિષ્ફળ માં-બાપને પણ જવાબદાર ઠેરવવાં જોઈએ.
ન્યાયાધીશ બી.વી. નાગરત્ન અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની બનેલી બેન્ચે આશિષ સતીશ મિત્તલ, આદિત્ય અવિનાશ સૂદ અને અમર સંતોષ ગાયકવાડને ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતોને આધીન મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે નોંધ્યું હતું કે આરોપી લગભગ ૧૮ મહિનાથી કસ્ટડીમાં હતા.
સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ નાગરત્નાએ માતાપિતાની જવાબદારી પર કડક ટિપ્પણી કરી. તેમણે જણાવ્યું હતું કે માતાપિતાનેે તેમના બાળકો પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળ રહેવા બદલ જવાબદાર ગણવા જોઈએ. તેમણે નોંધ્યું હતું કે માદક દ્રવ્યોના ઉપયોગ અને ત્યારબાદ હાઇ સ્પીડ ડ્રાઇવિંગ સહિતની બેદરકારીભરી ઉજવણીઓ ઘણીવાર નિર્દોેષ લોકોના જીવ ગુમાવે છે. વાહનો સોંપવા અને અનિયંત્રિત ભોગવિલાસ માટે સાધનો પૂરા પાડવા એ વાસ્તવિક સમસ્યા છે,એમચેતવણી આપી હતી કે આગળની કોઈપણ ટિપ્પણીઓ ચાલુ ટ્રાયલને અસર ન કરે.
ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, આરોપીઓએ કારની પાછળ બેઠેલા બે કિશોરોના લોહીના નમૂના બદલવાનું કાવતરું ઘડયું હતું. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઘટના સમયે કિશોરો દારૃના નશામાં હતા. આ આરોપીઓએ મહત્વપૂર્ણ પુરાવા સાથે છેડછાડ કરવાના પ્રયાસમાં કિશોરોના નમૂનાઓ પોતાના નમૂનાઓ સાથે બદલી નાખ્યા હતા. કથિત સગીર ડ્રાઈવર આ લોહીના નમૂનાના સ્વેપનો ભાગ નહોતો.
આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની અનેક જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપોમાં બનાવટી, પુરાવા સાથે ચેડાં અને લાંચ લેવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
આશિષ મિત્તલ એક કિશોરના પિતાનો મિત્ર હોવાનું કહેવાય છે. દરમિયાન, આદિત્ય સૂદ વાહનની પાછળ બેઠેલા બીજા કિશોર મુસાફરના પિતા છે. અમર ગાયકવાડે કથિત રીતે વચેટિયા તરીકે કામ કર્યું હતું અને લોહીના નમૂના બદલવા માટે ત્રણ લાખ રૃપિયા મેળવવાનો આરોપ છે.




