Mumbai

થાણેમા બ્રેઈન ડેડ મહિલાના અંગદાનથી 6 ને જીવતદાન

By GS TEAM
28 Dec 20252 mins read
થાણેમા બ્રેઈન ડેડ મહિલાના અંગદાનથી 6 ને જીવતદાન

પુણે તથા છેક ગુરુગ્રામ માટે ગ્રીન કોરિડોર રચાયો

અંગદાનથી  પ્રભાવિત થઈ મહિલાની બાળકીને હોસ્પિટલ ટ્રસ્ટ  દ્વારા આર્થિક  સહાય 

મુંબઈ  -  થાણેમાં ૩૮ વર્ષીય એક મહિલાને બ્રેન ડેઈડથી મૃત જાહેર કરવામાં આવી હતી. જો કે, મહિલાના પરિવારના સભ્યોએ અંગદાનનો નિર્ણય લેતા મુંબઈ થી માંડીને છેક ગુરુગ્રામમાં વિવિધ અંગોની જરુર હોય તેવા છ દર્દીઓને નવજીવન મળ્યું હતું.  થાણે

ડોક્ટરના  જણાવ્યા મુજબ, ૩૮ વર્ષીય ગૃહિણી મહિલાને ૧૯ ડિસેમ્બરે તેની તબિયત ખરાબ હોવાથી  થાણેની  એક હોસ્પિટલમાં લઈ આવવામાં આવી હતી. અહીં તપાસમાં ડોક્ટરોઓએ મહિલાને બ્રેઈન ડેડ તરીકે જાહેર કરવામાં આવી હતી. જેથી પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો.

પરિવારે અસહ્ય દુઃખ સહન કરવા છતાં તેના મહત્ત્વપૂર્ણ અંગોનું દાન કરવાનો સાહસિક નિર્ણય લીધો.  પરિવારની પરવાનગી અને અન્ય ઔપચારિકતાઓ પછી હોસ્પિટલના ડોક્ટરોએ પચ્ચીસમી  ડિસેમ્બરે રાતભર કામ કરીને મહિલાનું હૃદય, ફેંફસાં, સ્વાદુપિંડ અને અન્ય અંગો દાન માટે મેળવ્યા હતા.

પરિવારના આ પગલાંથી પ્રભાવિત થઈને હોસ્પિટલ ચલાવતા મહાવીર જૈન ટ્રસ્ટે મૃતક મહિલાની નવ વર્ષની પુત્રીને એક લાખનું દાન આપીને આર્થિક મદદ કરવાનું નક્કી કર્યં હતું. જ્યારે હોસ્પિટલે પણ બીજા એક  લાખનું દાન આપ્યું હતં.

આ બાદ અધિકારીઓએ જરુરિયાતમંદ દર્દીઓ સુધી અંગો પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર સ્થાપિત કર્યો હતો. ત્યારબાદ અંગોને મુંબઈની ચાર હોસ્પિટલો અને ગુરુગ્રામની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે લઈ જવામાં આવ્યા હતા. તો મહિલાનું એક અંગ થાણેની જ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું.

બાદમાં અંગોનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. થાણેના ઈતિહાસમાં કદાચ આ પહેલી વાર બન્યું હતું કે એક જ દાતા પાસેથી છ અંગો મેળવીને છ લોકોને નજીવ મળ્યું હોય, એમ હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું.