Mumbai

શહેરને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં માત્ર ૬.૯૩ ટકા જ પાણી

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં પાણીનું સંકટ ઘેરું બન્યું છે, કારણ કે 7 જળાશયોમાં માત્ર 6.93% જ પાણી બાકી છે. ચોમાસાના વિલંબ અને અપૂરતા વરસાદને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ કડક જળસંરક્ષણ અભિયાન હાથ ધર્યું છે. શહેરમાં 10% અને ઔદ્યોગિક-વાણિજ્યિક ક્ષેત્રે 20% પાણી કાપ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ સ્થિતિ ગયા વર્ષ કરતાં વધુ ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શહેરને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં માત્ર ૬.૯૩ ટકા જ પાણી

મુંબઈ પર પાણી સંકટ વધુ ઘેરું

પાલિકાનું  કડક જળસંરક્ષણ અભિયાન, ઔદ્યોગિક-વાણિજ્યિક ક્ષેત્રે ૨૦ ટકા અને શહેરમાં ૧૦ ટકા પાણી કાપ અમલમાં

મુંબઈ -  મુંબઈ શહેર પર વધુ ગંભીર પીવાના પાણી સંકટના વાદળો ઘેરાયા છે. ચોમાસાના આગમનમાં થયેલા વિલંબ અને અત્યાર સુધી નોંધાયેલા અપૂરતા વરસાદને કારણે મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં કુલ જીવંત જળસંગ્રહ માત્ર ૧,૦૦,૨૭૯ મિલિયન લિટર, એટલે કે કુલ ક્ષમતાના ૬.૯૩ ટકા જેટલો જ બાકી રહ્યો છે. ગયા વર્ષે આજના દિવસે આ જથ્થો ૩૯.૫ ટકા હતો.જેના કારણે આ વર્ષની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.

મુંબઈ મહાનગરપાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગ દ્વારા. આજે રજૂ કરાયેલા  સવારે ૬ વાગ્યાના અહેવાલ મુજબ ભાતસા, અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, તુલસી અને વિહાર એમ સાત જળાશયો મળીને મુંબઈ અને ઉપનગરોને દરરોજ અંદાજે ૪,૦૦૦મિલિયન લિટર પીવાનું પાણી પૂરું પાડે છે. આ જળાશયોની કુલ ઉપયોગી સંગ્રહ ક્ષમતા ૧૪.૪૭ લાખ મિલિયન લિટર છે.

અપર વૈતરણા, મોડક સાગર, તાનસા અને મિડલ વૈતરણા-આ ચાર મુખ્ય જળાશયોમાં મળીને માત્ર ૪૬,૧૯૨મિલિયન લિટર પાણી છે.જે તેમની કુલ  ક્ષમતાના ૬.૬૫ટકા જેટલું પાણી  ઉપલબ્ધ છે. અપર વૈતરણા જળાશયનું પાણી લોવર ડ્રોડાઉન લેવલથી સપાટી પર પહોંચી જતા ઉપયોગી  સંગ્રહ શૂન્ય નોંધાયો છે. જોકે, એલડીએલની નીચે રહેલા ૧૧,૯૭૪ મિલિયન લિટર પાણીનો ઉપયોગ હાલમાં કરવામાં આવી રહ્યો છે.

જળાશયોમાં વિહારમાં સૌથી વધુ ૪૫.૧૩ ટકા, તુલસીમાં ૨૪.૨૬ ટકા અને મોડક સાગરમાં ૧૮.૪૭ ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન તુલસી જળાશય વિસ્તારમાં ૧૭૯મિમી, વિહારમાં ૧૧૨ મિમી, મોડક સાગરમાં ૩૮ મિમી અને ભાંડુપ કોમ્પ્લેક્સમાં ૧૯૧ મિમી વરસાદ નોંધાયો હતો. તેમ છતાં જળાશયોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો નથી.