હવે ઘઉં સહિતના લોટમાં ભેળસેળ પર તવાઈ આવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી પછી પણ ઝુંબેશ ચાલુ રહેશે
અમારો ઇરાદો વેપારીઓને ત્રાસ આપવાનો નહીં પણ ભેળસેળ રોકવાનો ઃ મુંઢે
મુંબઇ - તેલ, મસાલા, ઘી, દૂધ, પનીર સહિતના ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર તુકારામ મુંઢે તરફથી લેવામાં આવી રહેલા આકરા પગલાંની સાથે હવે રોટલી, રોટલા, ભાખરી બનાવવામાં વપરાતા અનાજના આટામાં મોટા પાયે થતી મિલાવટ સામે નિશાન નોંધવામાં આવ્યું છે.
મુદતબાહ્ય અને મિલાવટી આટાના વેચાણને અટકાવવા માટે એફડીએ દ્વારા હાથ ધરવામાં આવેલી આ વિશેષ ઝુંબેશ દિવાળી પૂરતી મર્યાદિત નથી, આખું વર્ષ ચાલુ રાખવામાં આવશે એવી મુંઢેએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે અમારો આશય વેપારીઓને ખોટી રીતે ત્રાસ આપવાનો નથી, અમે એટલું જ ઇચ્છીએ છીએ કે લોકોને ભેળસેળ વગરનો આટો ખાવા મળે અને તેમના આરોગ્ય સામે કોઇ જોખમ ન રહે.
મહારાષ્ટ્રના અનેક ગામો અને શહેરોમાં ઘઉં, બાજરો જુવાર સહિતના ધાન્યનો લોટ જે પેકિંગ કરી વેંચવામાં આવે છે એમાં મુદત બાહ્ય અને ભેળસેળ માલુમ પડયા પછી આટાની તપાસની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
એફ.ડી.એ. દ્વારા દિવાળી પૂર્વે રાજ્યમાં જુદી જુદી એક હજાર જગ્યાએ રેડ પાડીને ૨૮ હજાર ક્વિન્ટલ ભેળસેળયુક્ત અથવા હલકી ક્વોલિટીનું ખાદ્યતેલ અને ૧૮થી ૨૦ હજાર ક્વિન્ટલ મરી- મસાલા જપ્ત કરવામાં આવ્યા હતા. આ અત્યાર સુધીની મોટામાં મોટી કાર્યવાહી હોવાનું એફડીએ કમિશનરે જણાવ્યું હતું.




