Mumbai

અપાર આઈડી ન ધરાવનાર વિદ્યાર્થીને હૉલટિકીટ નહીં ઃ મુંબઈ યુનિવર્સિટી

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ યુનિવર્સિટીએ 2026ની પરીક્ષામાં અપાર ID ફરજિયાત બનાવ્યું છે. અપાર ID વિના હોલ ટિકિટ નહીં મળે. આ સમસ્યા ઉકેલવા મુંબઈ યુનિવર્સિટી 19 અને 20 ઓગસ્ટ, 2026ના રોજ કાલિના કેમ્પસમાં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી વિશેષ આધાર સુવિધા કેમ્પ યોજશે. વિદ્યાર્થીઓ અને કોલેજોને બાકી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અપાર આઈડી ન ધરાવનાર વિદ્યાર્થીને હૉલટિકીટ નહીં ઃ મુંબઈ યુનિવર્સિટી

એબીસી અને અપારની પ્રક્રિયા હજી વિદ્યાર્થીઓ તથા કૉલેજોએ પૂરી કરી નથી

વિદ્યાર્થીઓની અપાર અને એબીસી આઈડીની સમસ્યા ઉકેલવા આજે અને આવતીકાલે કાલિના કેમ્પસમાં વિશેષ આધાર સુવિધા કેમ્પનું આયોજન

મુંબઈ -  મુંબઈ  યુનિવર્સિટીએ ૨૦૨૬ની પરીક્ષાઓમાં બેસનારા વિદ્યાર્થીઓ માટે અપાર આઈડી ફરજિયાત કરી છે. હવે જે વિદ્યાર્થીઓએ અપાર આઈડી બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તેમને પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં આવશે નહીં. આ નિયમ મુંબઈ યુનિવર્સિટી તેમજ તેની સાથે જોડાયેલ કોલેજોના અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને લાગુ પડશે.

વિદ્યાર્થીઓને  અપાર આઈડી બનાવવાની પ્રક્રિયામાં મુશ્કેલી ન પડે તે માટે યુનિવર્સિટીએ વિશેષ આધાર સુવિધા કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પ ૧૯ અને ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ કાલિના કેમ્પસમાં સવારે ૧૦થી સાંજે ૪ વાગ્યા સુધી યોજાશે. આધાર અથવા શૈક્ષણિક રેકોર્ડ સાથે સંબંધિત સમસ્યાઓ ધરાવતા વિદ્યાર્થીઓ આ કેમ્પમાં જઈને પોતાની સમસ્યાઓનું નિરાકરણ કરાવી શકશે.

અપાર  સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવામાં વિદ્યાર્થીઓ અને કોલેજોને થયેલા વિલંબને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ બાકી રહેલી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું છે. સંલગ્ન કોલેજોને પણ એવા વિદ્યાર્થીઓની ઓળખ કરવા સૂચના આપવામાં આવી છે જેમનું અપાર રજીસ્ટ્રેશન હજુ બાકી છે. કોલેજોએ આવા વિદ્યાર્થીઓને અપાર આઈડીની આવશ્યકતા અંગે જાણ કરીને છેલ્લી ઘડી સુધી રાહ ન જોતાં પ્રક્રિયા પૂર્ણ કરાવવાની ખાતરી કરવાની રહેશે.

અપાર એટલે ઓટોમેટેડ પર્મનેન્ટ એકેડમિક એકાઉન્ટ રજીસ્ટ્રી, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) ૨૦૨૦ હેઠળ રજૂ કરવામાં આવેલી ડિજિટલ શૈક્ષણિક ઓળખ છે. તેના માધ્યમથી વિદ્યાર્થીની શૈક્ષણિક કારકિર્દીનો એક ડિજિટલ રેકોર્ડ તૈયાર કરી શકાય છે, જેમાં લાયકાત, ગુણ અને શૈક્ષણિક ક્રેડિટ જેવી વિગતો જોડાઈ શકે છે. અપાર સિસ્ટમ એકેડમિક બેન્ક ઓફ ક્રેડિટ(એબીસી) સાથે પણ જોડાયેલી છે, જેના દ્વારા શૈક્ષણિક ક્રેડિટ ડિજિટલ રીતે સંગ્રહિત કરી સંસ્થાઓ વચ્ચે ટ્રાન્સફર કરવામાં મદદ મળે છે. મે મહિનામાં કોલેજો દ્વારા જરૃરી એબીસી અને અપાર માહિતી ન આપવાને કારણે ટીવાયબીકોમના ૮,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓના પરિણામો અટવાઈ ગયા હતા.