Mumbai

નીટની આરોપી મનીષા વાઘમારેએ વર્ટિગોનું કારણ દર્શાવી જામીન માગ્યા

By GS Team
6 Jun 20262 mins read
નીટની આરોપી મનીષા વાઘમારેએ વર્ટિગોનું કારણ દર્શાવી જામીન માગ્યા

મનીષાની જામીન અરજી પર ચુકાદો અનામત

 કોર્ટે કહ્યું, તબીબી સમસ્યાને જામીન સાથે ન જોડો, જેલ તંત્ર સારવાર કરાવવા માટે સક્ષમ છે

મુંબઈદેશભરમાં ગાજેલા નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ ધકપકડ કરેલા મનીષા વાધમારેની જામીન અરજી પર દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે નિર્ણય નવ જૂન પર  અનામત રાખ્યો છે.

 તપાસ હજી ચાલુ છે અને અનેક બાબતો અધૂરી છે. એવી સ્થિતિમાં આટલી ઉતાવળે જામીન અરજી કેમ  એવો સવાલ કોર્ટે આરોપીના  વકીલને  પૂછ્યો હતો.મનીષા વતી જણાવાયું હતું કે  સીબીઆઈ તપાસમાં અત્યારસુધી અમારા વિરોધમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. વાઘમારે સર્ટિફાઈડ એજ્યુકેશન કાઉન્સેલર હોઈ તેમને કન્સલ્ટેશનની ફી નિયમિત મળે છે. સીબીઆઈને જે ૩.૫૦ લાખની બેન્ક એન્ટ્રી મળી એ તેમના પૂર્વજની માલિકતના ગિફ્ટ ડીડ તરીકે હતા.  બે વાર ઘરની ઝડતી લીધી પણ કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી એવી દલીલ કરાઈ હતી.

વધુમાં દલીલ કરાઈ હતી કે મનીષા વાઘમારેની વય ૪૭ વર્ષ છે અને ગત કેટલાંક સમયથી વર્ટિગો જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. આ બીમારી સંબંધી તબીબી દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરાયા છે. સોમવારે તબિયત બગડતાં જેલ હોસ્પટલમાં દાખલ કરવા પડયા હતા. આથી જેલ પ્રશાસન પાસેથી તેનો રેકોર્ડ મેળવી  શકાય છે. આથી જામીન મંજૂર કરવામાં આવે. સીબીઆઈને જરૃર પડયે તપાસમાં સંપૂર્ણ સહકાર કરશે.

કોર્ટે દલીલ ફગાવીને તબીબી સમસ્યાને જામીન સાથે જોડશો નહીં, એમ જણાવીને જેલ પ્રશાસન પાસે તમામ તબીબી સુવિધા ઉપલબ્ધ  હોઈ કેદીની કાળજી લઈ શકાય છે. તબીયતને લઈ કોઈ સમસ્યા હોય તો તેની જુદી અરજી કરો, એમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

સીબીઆઈએ અરજીના વિરોધમાં જણાવ્યું હતું કે મનીષા વાઘમારે શિક્ષણ સલાહકાર હોવાનું કહે છે પણ પોતે એક બ્યુટી પાર્લર ચલાવે છે. તેમણે કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના પ્રશ્નો લોખંડે નામની વ્યક્તિને આપ્યા હતા જે શુભમ સુધી પહોંચ્યા હતા. વિદ્યાર્થી પાસેથી મોટી રકમ લઈને નીટ પરીક્ષાના પેપર લીક કરાયા હતા. એવા અનેક વિદ્યાર્થીઓના જવાબ છે જેમણે વાઘમારેએ પેપર માટે પૈસા લીધાની કબૂલાત કરી હતી. વિદ્યાર્થીઓના  જવાબનો અભ્યાસ કરીને પરાવા ચકાસ્યા બાદ નિર્ણય લેવાશે, એમ કોર્ટે જણાવ્યું હતું.