પાલિકાના પ્રાથમિક શિક્ષકો દિવાળી ટાણે બોનસથી વંચિત

અંધેર વહિવટે શિક્ષકોને રઝળાવ્યા
બોનસ જાહેર થયું પણ પે શીટ જ ન બની, હવે નવેમ્બરના પગાર સાથે મળે તેવી સંભાવના
મુંબઇ - મુંબઈ મહાનગરપાલિકાની ખાનગી અનુદાનિત પ્રાથમિક સ્કૂલોના શિક્ષક-શિક્ષકેત્તર કર્મચારીઓને ૩૧ હજાર રુપિયાનું બોનસ જાહેર થયું છે. પરંતુ આ બોનસ વહીવટી પ્રક્રિયામાં અટકી જતાં શિક્ષકોના હાથમાં દિવાળીનું બોનસ એ દિવાળી પછી જ આવશે.
મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ મુજબ જ પાલિકાની ખાનગી અનુદાનિત શાળાના શિક્ષક-શિક્ષકેત્તર કર્મચારીઓને ૩૧ હજાર રુપિયાના બોનસની જાહેરાત કરાઈ હતી. આથી દિવાળી પહેલાં આ બોનસ બેન્કમાં જમા થશે, એવી અપેક્ષા શિક્ષકોને હતી. પરંતુ શિક્ષણાધિકારી દ્વારા પરિપત્રક નીકળ્યા બાદ પરિપત્રક મુંબઈ પાલિકાના એકાઉન્ટ્સ વિભાગને પહોંચાડવું જરુરી હતું. તે ઉપરાંત વિવિધ ખાનગી અનુદાનિત સ્કૂલોના શિક્ષકોની પે શીટ જ્યાં સુધી પાલિકાના એકાઉન્ટ્સ વિભાગને જમા ન થાય ત્યાં સુધી બોનસ આપવું શક્ય ન હોવાનું પણ એક અધિકારી દ્વારા જાણવા મળ્યું છે.
પે શીટ જમા કરાવવામાં એક પણ સ્કૂલને મોડું થાય તો અન્ય શાળાના શિક્ષક-શિક્ષકેત્તર કર્મચારીને પણ ત્યાં સુધી બોનસ આપી શકાય નહીં. અત્યારે સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું છે અને પ્રિન્સિલપાલ કે અન્ય કર્મચારીઓ ઉપસ્થિત નથી. આથી પે શીટ બનાવવામાં ૩૦ ઑક્ટોબર સુધીનો સમય જશે. ત્યારબાદ જ શિક્ષકોના બેન્ક ખાતામાં બોનસ જમા થશે, એવું પાલિકાએ જણાવ્યું છે.
દિવાળી નિમિત્તે કપડાં, અન્ય વસ્તુઓ ખરીદી કરી શકાય તે માટે બોનસનો ઉપયોગ થતો હોય છે. પરંતુ દિવાળી પહેલાં જાહેર થયેલું બોનસ જો તહેવાર સુધીમાં ન મળે તો તેનો શો ઉપયોગ, એવો નારાજગીભર્યો મત પણ કેટલાંક શિક્ષકોએ માંડયો હતો.








