Mumbai

90 ટકા કેબ-રિક્ષા હડતાલમાં જોડાતાં મુંબઈગરાં હેરાન પરેશાન

By GS TEAM
10 Oct 20252 mins read
90 ટકા કેબ-રિક્ષા  હડતાલમાં જોડાતાં મુંબઈગરાં હેરાન પરેશાન

એપ આધારિત કેબ-રિક્ષા ચાલકોની હડતાલ

પીએમનું ધ્યાન દોરવા યોજાયેલી હડતાલથી સામાન્ય લોકોએ હાલાકી વેઠી

મુંબઈ -  રાજ્યના એપ આધારિત વાહન ચાલકોએ વિવિધ માગણીઓ પૂરી ન થતા ગુરુવારે પાળેલા બંધને કારણે રોજિંદા પ્રવાસીઓને પરેશાની થઇ હતી. સવારથી રસ્તા પરથી ૯૦ ટકા એપ આધારિત વાહનો ગાયબ રહ્યા હતા.આથી અન્ય પરિવહન સાધનો પર દબાણ આવ્યું હ તું. અનેક લોકોએ પોતાના વાહનમાં પ્રવાસ કર્યો હોવાથી રોડ પર ટ્રાફિકમાં વધારો થયો હતો. દિવસભર મુંબઇ શહેર-પરાં, થાણે, પાલઘર, રાયગઢ, પુણે અને નાશિકમાં નોકરિયાતો હેરાન થયા હતા. 

ગત કેટલાંક મહિનાઓથી વિવિધ માગણીઓ મૂકીને ઓલા, ઉબર, રેપિડો અને અન્ય એપ આધારિત રિક્ષા, ટેક્સી અને કેબના ડ્રાઇવરો આંદોલન કરી રહ્યા છે પરંતુ, હજી સુધી એમની માગ પૂર્ણ થઇ નથી. યુનિયને ભાડામાં તર્ક સંગતતા લાવવા, કાળી-પીળી ટેક્સી સમાન દર કરવા, બાઇક ટેક્સીઓ પર પ્રતિબંધ મૂકવા અને કાળી-પીળી ટેક્સીઓ તથા ઓટોરિક્ષા માટે પરમિટની મર્યાદા નક્કી કરવાની માગણી કરી છે.યુનિયનની અન્ય માગણીઓમાં એપ-આધારિત કેબના ડ્રાઇવરો માટે વેલ્ફેર બોર્ડ અને ગીગ કામદારો માટે કાયદો ઘડવો સામેલ છે.

ગુરુવારે મુંબઇની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન પરિવહન વિભાગના કામકાજ તરફ દોરવા એકદિવસીય બંધનું એલાન કર્યું હતું. મુંબઇ શહેર અને પરાંમાં ઓફિસ જવા ઘણા લોકો કેબ કે રિક્ષા બુક કરે છે. આ સેવા બંધ રહેવાથી પુણે અને નાશિકથી મોટી સંખ્યામાં આવનારા લોકોને પણ હેરાનગતિ થઇ હતી. કાયમ એપ આધારિત વાહનોથી ભરેલો રહેતો મુંબઇ એરપોર્ટનો પાર્કિંગ લોટ આજે ખાલી જણાતો જતો. જોકે કેટલાંક પ્રવાસીઓએ કહ્યું હતું કે હડતાળને લીધે તમને કોઇ હેરાનગતિ થઇ ન હતી. 

આંદોલન કરનારા ભારતીય ગિગ કામદાર મંચનું કહેવું છે કે પરિવહન કમિશનર કાર્યાલયે ઓલા, ઉબર, રેપિડો આ ત્રણેય કંપનીઓને સરકાર માન્ય દરો પોતાની એપ પર દર્શાવવાનો આદેશ આપ્યો હતો. એગ્રીગેટર્સ દ્વારા ડ્રાઇવરોને દરેક ફેરીના ભાડામાંથી ૮૦ ટકા રકમ આપવી ફરજિયાત છે. જોકે આ આદેશોનો અમલ એગ્રીગેટર્સે કર્યો નથી. તેમજ સફેદ વાહન નંબર પ્લેટ અને પેટ્રોલ બાઇક સાથે ગેરકાયદે બાઇક ટેક્સીનો વ્યવસાય ચલાવતી કંપનીઓ સામે કાર્યવાહી કરવી જોઇએ. તેઓ ડ્રાઇવરો અને પ્રવાસી બન્નેના જીવ સાથે રમત રમી રહ્યા છે.