દીકરા સાથે લાઈવ વ્હોટસએપ કોલ દરમિયાન ટ્રેનમાંથી પડી જતાં માતાનું મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જયશ્રીબેન પરમાન નેટવર્ક ન આવતું હોવાથી દરવાજા પાસે ઊભાં હતાં
પાણી ભરી લેવા દીકરાને ફોન કર્યો ઃ દીકરાએ મોબાઈલ માતાના હાથમાંથી સરકી જતો જોયો હતોઃ જોકે, નોકરીએ નહીં પહોંચતાં શોધખોળ
ભાયંદર-નાયગાંવ બ્રિજ પાસેથી મૃતદેહ મળ્યોઃ દીકરાનાં લગ્ન તથા મોટાં ઘરનું સપનું સાકાર કરવા માટે નોકરી કરતાં હતાંં
મુંબઈ - મીરા રોડમાં રહેતા બે દીકરાની ૪૧ વર્ષીય ગુજરાતી મહિલાનું ચાલુ લોકલ ટ્રેનમાંથી પડી જતાં કરુણ મોત થયું છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોજ વસઈમાં કેટરિંગ કંપનીમાં જમવાનું બનાવવાનું કામ કરવા જતા જયશ્રી પરમાર શનિવારે સવારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન પોતાના દીકરા સાથે વોટ્સએપ વીડિયો કોલ પર વાત કરી રહ્યાં હતાં. નેટવર્કની સમસ્યાને કારણે તેઓ કોચના દરવાજા પાસે ઊભાં હતાં ત્યારે અચાનક મોબાઇલ હાથમાંથી સરકી ગયો હતો. ત્યાર બાદ તેમનો સંપર્ક તૂટી ગયો અને પાછળથી નાયગાંવ-ભાયંદર વચ્ચે રેલવે બ્રિજ નજીક તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૂળ ગામ ઝમરાળા અને હાલમાં મીરા રોડના શાંતિનગરના સેકટર સાતમાં રહેતાં જયશ્રી પરમાર તેમના બે દીકરા અને પતિ રમેશ પરમાર સાથે રહેતા હતા. આ બનાવ વિશે સંપૂર્ણ માહિતી આપતાં જયશ્રીના મોટા ભાઈ ભરત સોલંકીએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું, પરિવારને આથક રીતે મદદરૃપ થવા માટે દરરોજ વસઈની એક કેટરિંગ કંપનીમાં રોટલી વણવાનું કામ કરવા જતાં હતાં. શનિવારે સવારે તેઓ દરરોજની જેમ મીરારોડથી લોકલ ટ્રેનમાં વસઈ જવા નીકળ્યાં હતાં.
ત્યારે સવારે આશરે ૬.૪૫ વાગ્યાની આસપાસ ટ્રેન વસઈની ખાડી નજીક પહોંચી ત્યારે જયશ્રીબેને ઘરમાં પાણી ભરવાના કામની યાદ અપાવવા માટે દીકરાને ફોન કર્યો હતો. નેટવર્ક બરાબર પકડતું ન હોવાથી તેઓ કોચના દરવાજા પાસે જઈ લોખંડનો થાંભલો પકડીને વાત કરી રહ્યાં હતાં. તેમણે દીકરાને પૂછયું હતું, 'તું જાગી ગયો છે ને?'દીકરાએ હા કહ્યું, પરંતુ પાણીનો અભાવ હોવાથી સમયસર પાણી ભરાય તેની ચિંતા હોવાથી જયશ્રીએ ખાતરી કરવા તેને વોટ્સએપ વીડિયો કોલ કરવા કહ્યું હતું.
દીકરાએ વીડિયો કોલ કરતાં બંને વચ્ચે વાતચીત શરૃ થઈ હતી. જોકે થોડી જ ક્ષણોમાં જયશ્રીબેનના હાથમાંથી મોબાઇલ સરકી ગયો હતો. વીડિયો કોલ ચાલુ હોવાથી દીકરાએ મોબાઇલ કોઈ જગ્યાએ પડી ગયો હોવાનું જોયું હતું અને માતાનો અવાજ પણ સાંભળ્યો હતો. ત્યારબાદ અચાનક સંપર્ક તૂટી ગયો હતો. દીકરાએ વારંવાર ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
કામ પર ન પહોંચતાં પરિવારની ચિંતા વધી..
લગભગ એક કલાક સુધી માતા સાથે સંપર્ક ન થતાં ચિંતિત દીકરો તેમની ભાળ મેળવવા વસઈમાં તેઓ જ્યાં કામ કરતાં હતાં તે કંપનીમાં પહોંચ્યો હતો. ત્યાં તપાસ કરતાં જયશ્રીબેન કામ પર પહોંચ્યાં જ ન હોવાનું જાણવા મળતાં પરિવારની ચિંતા વધી હતી. ત્યાર બાદ રેલવે પોલીસની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નાયગાંવ-ભાયંદર વચ્ચે રેલવે બ્રિજના ૭૫ નંબરના થાંભલા નજીક કોઈ મહિલા ચાલુ ટ્રેનમાંથી પડી હોવાની માહિતી મળી હતી. પરિવારને આશંકા છે કે હાથમાંથી સરકેલા મોબાઇલને બચાવવાના પ્રયાસ દરમિયાન જયશ્રીબેનનું સંતુલન બગડયું હોઈ શકે છે. પોલીસે અન્ય ટ્રેન રોકાવી મહિલાનો મૃતદેહ ભાયંદર લાવવાની વ્યવસ્થા કરી હતી. ફરજ પરના તબીબે તપાસ કરતાં માથામાં ગંભીર ઈજા થવાને કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું.
શાંતિનગરમાં શોકનું વાતાવરણ..
જયશ્રી પરમારના અચાનક અને કરુણ અવસાનથી પરિવાર સહિત સમગ્ર શાંતિનગર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક નગરસેવિકા હેતલ પરમારે પણ તેમના નિધન અંગે ભાવુક પોસ્ટ કરી હતી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોજ મુશ્કેલીઓનો સામનો કરીને લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી અને મહેનત કરીને પરિવારને આથક ટેકો આપતી મહિલાનું આ રીતે મોત થતાં સ્થાનિકોમાં ભારે ગમગીની જોવા મળી રહી છે.
સ્થાનિકોએ મૃતકના પરિવારને સરકારી સ્તરે આથક સહાય આપવામાં આવે તેવી પણ અપીલ કરી છે. રેલવે પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુની નોંધ (એડીઆર) કરી વધુ તપાસ હાથ ધરી છે.
સપનું અધરું રહી ગયું..
વધુમાં ભાઈ ભરત સોલંકીએ કહ્યું હતું કે, મોટા દીકરાના લગ્ન કરાવવા અને મોટું ઘર લેવાની ઈચ્છા હોવાથી બહેને નોકરી કરવાનું શરૃ કર્યું હતું. પરંતુ, એની ઈચ્છા પુરી થાય એની પહેલાં જ આવો બનાવ બની ગયો છે.




