Mumbai

એસટી બસમાં 2 સંતાનોને છોડી દઈ માતા પ્રેમી સાથે ફરાર

By GS Team
22 May 20262 mins read
એસટી બસમાં 2  સંતાનોને છોડી દઈ માતા પ્રેમી સાથે ફરાર

બાળકોને રડતાં જોઈ કંડકટરે પોલીસ બોલાવી

બાળકોના કોઈ માતાપિતા નથી, નાનાને ત્યાં મોકલી દેજો એવી  ચિઠ્ઠી છોડી ગઈ

મુંબઇ -  મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક મહિલા તેના બે બાળકોને  એસટી બસમાં નધણિયાતા મૂકી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી.  તેણે બાળકોના ખિસ્સામાં યવતમાળમાં રહેતા તેના પિતા (બાળકોના નાના) નું સરનામું અને તેમનો મોબાઇલ નંબર લખેલી એક હાથથી લખેલી નોંધ મૂકી હતી. 

શિવાજીનગર પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ , યવતમાળની રહેવાસી મહિલા રવિવારે બાળકો સાથે તુળજાપુર-સંભાજીનગર એસટીની બસમાં ચઢી હતી. બાદમાં તે   ચાલુ પ્રવાસમાં જ  તેના બે બાળકોને એસટી બસમાં જ છોડીને તેના પ્રેમી સાથે સ્કૂટર પર ભાગી છૂટી હતી.

બાળકો સાથે છોડવામાં આવેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ બાળકોના કોઈ માતા-પિતા નથી તેથી કૃપા કરીને તેમને યવતમાળ મોકલજો અને ખાતરી કરજો કે તેઓ સુરક્ષિત રીતે ત્યાં પહોંચે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમાં યવતમાળનું એક સરનામું અને બાળકોના નાનાનો મોબાઇલ ફોન નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

 બસ કંડક્ટરે બાળકોને રડતા અને ગભરાયેલા જોયા અને બીડના શિવાજીનગર પોલીસને જાણ કરી હતી. બાળકોને  શિરુર કાસર તાલુકાના અરવી ખાતેના બાળ સંભાળ ગૃહમાં મોકલવામાં આવ્યા હતા.

દરમિયાન, પોલીસે ચિઠ્ઠીમાં આપેલા ફોન નંબરનો ઉપયોગ કરીને બાળકોના નાનાનો સંપર્ક કર્યો અને તેમને ૧૮ મેના રોજ બીડ બોલાવ્યા હતા.જોકે, તે માણસને તેના પૌત્ર-પૌત્રીઓની કરતાં તો પુત્રી નવા સ્કૂટર, મોબાઇલ ફોન અને વીસ હજાર રૃપિયા લઈ ને ભાગી ગઈ હોવાની ચિંતા વધારે હોવાનું પોલીસને જણાયું હતું.