પાતાળ ગંગા નદીમાં પૂરમાં 3 હજારથી વધુ ગેસ બોટલ તણાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચાવણે એચપીસીએલના પ્લાન્ટમાં પૂરથી નુકસાન
બોટલો મેળવવા ગ્રામજનોની પડાપડી, ડેમેજ હશે તો વિસ્ફોટ થશે તેવી તંત્રની ચેતવણી
મુંબઈ : નદીમાં પૂરમાં જાત ભાતની ચીજો તણાઈ આવતી હોય છે પરંતુ મુંબઈ પાસેના રાયગઢ જિલ્લામાં પાતાળગંગા નદીમાં આવેલાં પૂરમાં રાંધણગેસની હજારો બોટલો તણાતી જોઈ ગ્રામજનોમાં અચરજ સાથે ભય ફેલાયો હતો. જોકે, કેટલાય લોકોએ આ બોટલો કબજે કરવા માટે પડાપડી પણ કરી મૂકતાં રાયગઢ જિલ્લા વહીવટીતંત્રએ બોટલો ન મેળવવા અને લઈ લીધેલી બોટલો જમા કરાવવા માટે જાહેર ચેતવણી પ્રગટ કરવી પડી હતી.
સૂત્રોની માહિતી પ્રમામે પનવેલ તાલુકામાં ચાવણે ગામની હદમાં એમઆઈડીસીમાં એચપીસીએલ કંપનીનો વિશાળ એલપીજી ગેસ બોટલિંગ પ્લાન્ટ આવેલો છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે પાતાળ ગંગા નદીએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું હતું. આ દરમિયાન પૂરનાં પાણી આ પ્લાન્ટમાં પ્રવેશ્યાં હોવાનું તથા પ્લાન્ટમાં ભારે નુકસાન થયું હોવાનું કહેવાય છે. જોકે, આ બાબતે મોડે સુધી કોઈ સત્તાવાર જાણકારી અપાઈ ન હતી.
દરમિયાન, નદીમાં એકસાથે હજારો ગેસ સિલિન્ડર તણાતાં જોઈ ગ્રામજનો શરુઆતમાં તો ડઘાઈ ગયાં હતાં. પછી તાજેતરમાં ગેસ બોટલની અછત સર્જાઈ હતી તે યાદ કરીને કેટલાક લોકોએ આ સિલિન્ડરો મેળવી લેવા માટે પડાપડી કરી હતી. કેટલાકે કાંઠે આવેલાં સિલિન્ડર જમા કર્યાં હતા તો કેટલાક સિલિન્ડર માટે નદીમાં પણ જાનના જોખમે ઉતર્યા હતા. એક અંદાજ પ્રમાણે આશરે ત્રણ હજારથી વધુ ગેસ સિલિન્ડર નદીમાં તણાયાં હતાં.
આ બાબતે જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર તથા અન્ય એજન્સીઓમાં દોડધામ મચી હતી. જિલ્લી તત્રએ તાબડતોબ તેના સ્ટાફને પણ નદી કાંઠે સિલિન્ડરો કલેક્ટ કરવા માણસો મોકલવા જણાવ્યું હતું. બીજી તરફ જિલ્લા કલેક્ટરે લોકોને આ સિલિન્ડરો લેવા સામે ચેતવણી આપતાં કહ્યું હતું કે તેમાંના કેટલાંક સિલિન્ડરો ભરેલાં છે અને કેટલાંક ખાલી હોવાની શક્યતા છે. આ સિલિન્ડરો પૂરમાં ેડેમેજ થયાં હોઈ શકે છે અને તે પાસે રાખવાથી વિસ્ફોટ સહિતનની કોઈપણ દુર્ઘટના સર્જાઈ શકે છે. આ સંદર્ભમાં લોકોને આ સિલિન્ડર મળે તો નજીકના એચપીસીએલ વિતરક અથવા તો તહેસીલદાર કચેરીએ જમા કરાવી દેવાની તાકીદ કરાઈ હતી.









