Mumbai

તહેવારોમાં મહારાષ્ટ્ર FDAનો સપાટો: પતંજલિના ગાયના ઘી સહિત 9 કરોડ રૂપિયાનો ખાદ્યજથ્થો સીઝ, 19 એકમોના લાયસન્સ રદ

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્ર FDAએ છત્રપતિ સંભાજીનગરમાં પતંજલિના સુપર ડિસ્ટ્રિબ્યુટર પાસેથી 20.20 લાખ રૂપિયાનું ગાયનું ઘી જપ્ત કર્યું છે. કુલ 4,032 યુનિટ ઘી ફૂડ સેફ્ટી એક્ટના ભંગ બદલ જપ્ત કરાયું. FDAએ 19 વ્યવસાયોના લાયસન્સ રદ કર્યા અને D-Mart સહિત વિવિધ સ્થળોએથી ખાદ્ય સામગ્રી જપ્ત કરી. 79.40 લાખની પ્રતિબંધિત ચીજવસ્તુઓ જપ્ત કરીને 13 FIR નોંધાઈ, 16 લોકોની ધરપકડ થઈ. ટાટા 1mg સહિત 4 કંપનીઓને નોટિસ અપાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારોમાં મહારાષ્ટ્ર FDAનો સપાટો: પતંજલિના ગાયના ઘી સહિત 9 કરોડ રૂપિયાનો ખાદ્યજથ્થો સીઝ, 19 એકમોના લાયસન્સ રદ

Maharashtra FDA Food Seizure News : મહારાષ્ટ્ર FDAના સત્તાવાર નિવેદન અનુસાર, છત્રપતિ સંભાજીનગરમાં પતંજલિ આયુર્વેદના સુપર ડિસ્ટ્રિબ્યુટર M/s દિવ્ય મહાવિતારક પાસેથી ગાયના ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થાની કિંમત 20.20 લાખ રૂપિયા છે. વિભાગે ઘીનાં કુલ 4,032 યુનિટ જપ્ત કર્યાં હતાં. તેમાં 1,349.1 લિટર ઘીના 2,998 યુનિટની કિંમત 12.29 લાખ રૂપિયા અને 930.6 લિટર ઘીના 1,034 યુનિટની કિંમત 7.91 લાખ રૂપિયા છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની જોગવાઈઓના ભંગ સાથે સંબંધિત હોવાનું જણાયું હતું.

19 એકમોનાં લાઇસન્સ સસ્પેન્ડ

FDAએ મુંબઈ, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગર વિભાગોમાં નમકીન, મીઠાઈ અને મસાલાનું ઉત્પાદન કરતા એકમો સહિત 19 વ્યવસાયોનાં લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કર્યાં છે. તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ, જીવાત નિયંત્રણની યોગ્ય વ્યવસ્થાનો અભાવ, સફાઈના રેકોર્ડ ન રાખવા, ફરજિયાત દસ્તાવેજો જાળવવામાં નિષ્ફળતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું પાલન ન થવા જેવી ખામીઓ સામે આવી હતી.

ડી-માર્ટ સહિત વિવિધ સ્થળોએથી ખાદ્ય સામગ્રી જપ્ત

આ અભિયાન દરમિયાન થાણે જિલ્લાના ભિવંડીમાં એવન્યૂ સુપરમાર્ટ્સ લિમિટેડ પાસેથી 1,44,218 કિલોગ્રામ ખાદ્ય તેલ જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે સાતારા સ્થિત અમીન ટ્રેડર્સ પાસેથી 20,560 કિલોગ્રામ ચોખા, કઠોળ, ગોળ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કરાઈ હતી. પુણે વિભાગમાં સાતારાની સ્વાતિ ઑઇલ મિલ્સ અને સોલાપુરના એસ.જી. ટ્રેડર્સ પાસેથી પણ ખાદ્ય તેલ જપ્ત કરવામાં આવ્યું હતું.

79.40 લાખની પ્રતિબંધિત ચીજવસ્તુઓ જપ્ત

28થી 31 ઑક્ટોબર દરમિયાન FDAએ 17 એકમોમાંથી 79.40 લાખ રૂપિયાની કિંમતની પ્રતિબંધિત ખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કરી હતી. આ સમયગાળામાં 13 FIR નોંધવામાં આવી હતી, 16 લોકોની ધરપકડ કરાઈ હતી, સાત એકમોને સીલ કરવામાં આવ્યા હતા અને છ વાહનો જપ્ત કરાયાં હતાં. આ ઉપરાંત, નાશિક, છત્રપતિ સંભાજીનગર અને નાગપુર વિભાગોમાં 34 હોટલ, રેસ્ટોરાં અને ઢાબાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતામાં ખામીઓ બદલ 29 એકમોને સુધારાની નોટિસ આપવામાં આવી હતી.

ટાટા 1mg સહિત ચાર કંપનીઓને નોટિસ

FDAએ વધુમાં જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ ટાટા 1mg મરીન કોલેજન પાઉડરના લેબલિંગ અને જાહેરાતમાં કથિત નિયમભંગ બદલ ટાટા 1mg હેલ્થકેર સોલ્યુશન્સ, ACFO ફાર્માસ્યુટિકલ્સ, એમેઝોન સેલર સર્વિસિસ અને ફ્લિપકાર્ટ ઇન્ડિયાને કારણદર્શક નોટિસ પાઠવી છે. ચારેય કંપનીઓને 30 દિવસમાં પોતાનો ખુલાસો રજૂ કરવા જણાવાયું છે.