Mumbai

મહિલા સહકર્મીની સતામણીનો આરોપી મ્યુ. કલાર્ક સસ્પેન્ડ

By GS Team
4 Apr 20262 mins read
મહિલા સહકર્મીની સતામણીનો આરોપી મ્યુ.  કલાર્ક સસ્પેન્ડ

કલ્યાણ -ડોમ્બિવલી મ્યુ. કોર્પો.નું પગલું

સસ્પેન્ડેડ કલાર્ક કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી, પોલીસ કેસ નોંધાયા બાદ કાર્યવાહી

મુંબઈ  - થાણે જિલ્લાના કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન(કે ડી એમ સી)માં મહિલા સહકર્મી સાથે જાતીય સતામણીના ગંભીર આરોપોને કારણે એક ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આરોપી સામે એફઆઈઆર નોંધાયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓએ  આજે જણાવ્યું હતું.

  આરોપી ભૂષણ બલીરામ પાટિલ કોન્ટ્રાક્ટપરનો  કર્મચારી છે અને તે ડોમ્બિવલી વિસ્તારના ૨૭ ગામોને આવરી લેતી ઈ વોર્ડ ઓફિસમાં ફરજ બજાવતો હતો.

  કે ડીએમસીના કમિશનર અભિનવ ગોયલ દ્વારા જારી કરાયેલા સસ્પેન્શન આદેશમાં જણાવ્યું હતું કે આ અશ્લીલતા અને ગેરવર્તણૂકનો ગંભીર મામલો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના અહેવાલો પ્રસિદ્ધ થતાં કોર્પોરેશનની છબી પર ખરડાઈ રહી છે 

મહિલા કર્મચારી દ્વારા માનપાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદમાં પાટિલ પર અશ્લીલ વર્તન અને જાતીય લાભ મેળવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકાયો છે. ફરિયાદના આધારે પાંચ દિવસ પહેલાં એફઆઈઆર નોંધાઈ હતી.

 તપાસ દરમિયાન ન્યાયી અને સુરક્ષિત કામકાજનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ફરિયાદી મહિલાને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. જ્યારે પાટિલને સસ્પેન્શન સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ મુખ્યાલયમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ તપાસ સાથે આંતરિક તપાસ પણ શરૃ કરવામાં આવી છે અને નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ, પાટિલે પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને નકારી કાઢયા છે. તેમના જણાવ્યા મુજબ, આ ફરિયાદ બદલાની ભાવનાથી કરવામાં આવી છે અને તેમને બદનામ કરવાનો પ્રયાસ છે. તેમણે પોતાના વકીલ મારફતે વહીવટીતંત્ર સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હોવાનું જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ, પાટિલ અગાઉ પણ ભ્રષ્ટાચાર સંબંધિત એક કેસમાં સસ્પેન્ડ થયો હતો, પરંતુ બાદમાં સમીક્ષા સમિતિ દ્વારા તેને ફરી સેવા પર લઈ લેવામાં આવ્યો હતો.