Mumbai

જાવેદ જાફરીનાં પત્ની સાથે ઠગાઈ કરનારા બીએમસી અધિકારી સામે લૂક આઉટ નોટિસ

By GS Team
18 Jun 20262 mins read
જાવેદ જાફરીનાં પત્ની સાથે ઠગાઈ કરનારા બીએમસી અધિકારી સામે લૂક આઉટ નોટિસ

સસ્પેન્ડેડ આસિ. મ્યુ. કમિશનર મહેશ પાટીલ લાંબા સમયથી ફરાર

આ ઘટના બહાર આવ્યા બાદ મહેશ પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઃ ફરાર હોઇ દેશ છોડીને ભાગી જવાની શક્યતા

મુંબઇ  -  મુંબઇ  ક્રાઇમ બ્રાન્ચે અભિનેતા જાવેદ જાફરીના પરિવારની ફરિયાદ પર નોંધાયેલા ૧૬.૨૪ કરોડ રૃપિયાના છેતરપિંડીના કેસમાં આરોપીઓમાંના એક, બીએમસીના સસ્પેન્ડેડ આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (એએમસી) મહેશ પાટિલ સામે લુક આઉટ સક્યુલર (એલઓસી) જારી કર્યો છે. પાટિલ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી શકે તેવી આશંકાથી આ પગલું લેવાયું છે.

હેશ  પાટિલને શોધી રહેલી પોલીસની ટીમો તેને તેના સત્તાવાર કાર્યાલય કે રહેણાંક સરનામા પર શોધવામાં નિષ્ફળ ગઇ હોવાનું કહેવાય છે.

જાવેદ જાફરીની પત્ની હબીબા પહેલીવાર એપ્રિલ ૨૦૨૪માં પાટિલને તેમની પાલિકાની ઓફિસમાં ટેક્સ સંબંધિત બાબત અંગે સ્પષ્ટતા માટે મળી હતી. ત્યાર બાદ પાટિલે જાફરી પરિવાર  સાથે મિત્રતા વધારી કથિત રીતે તેમને બાંદ્રા પ્રોપર્ટી પ્રોજેક્ટમાં રોકાણની તક વિશે જણાવ્યું હતું. ત્યાર બાદ અહીંના એક પુનર્વિકાસ પ્રોજેક્ટમાં કોમર્શિયલ જગ્યાના બદલામાં પરિવારને લગભગ ૩૦ કરોડ રૃપિયાનું રોકાણ કરવા માટે રાજી કર્યા હતા.

આ કેસમાં  યુકે સ્થિત ઉદ્યોગપતિ નિશિત પટેલ પર પણ જાફરી  પરિવારના અન્ય સભ્યોને બાંદ્રા પશ્ચિમમાં ન્યુ કમલકુંજ પ્રોજેક્ટના પુનર્વિકાસ સાથે જોડાયેલા રોકાણ દ્વારા આકર્ષક વળતરનું વચન આપીને છેતરપિંડી કરવાનો આરોપ છે.

મુંબઇ ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલ દ્વારા નિશિત પટેલની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તપાસ કર્તાઓએ તાજેતરમાં બીજા આરોપી રૃપેશ મોરે (૪૬)ને તેના સાંતાક્રુઝ નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. મોરે પર આરોપ છે કે તેણે બનાવટી સરકારી દસ્તાવેજો બનાવીને, પોતાને ખોટી રીતે સરકારી અધિકારી તરીકે રજૂ કરીને કાવતરામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ કેસમાં ૧૩મેના રોજ ખાર પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ જોગવાઇઓ હેઠળ નિશિત પટેલ, મહેશ પાટિલ, રૃપેશ મોરે, સાગર મહેતા, દેવેન્દ્ર પડવળ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.