વિપરીત આદેશ મળતાં જજને ધમકાવનારા વકીલ પિતા-પુત્રને એક લાખનો દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૨૦૨૧માં મેજિસ્ટ્રેટને જોઈ લેવાની ધમકી આપી હતી
ન્યાય વ્યવસ્થાની પ્રતિષ્ઠા, નિષ્પક્ષતા ટકાવવા આવા કૃત્ય અવગણી ન શકાયઃ બાર એસો.ને કાર્યવાહી માટે કેસ સોંપ્યો
મુંબઈ - કોર્ટમાં જજોને ધમકાવવા, ઊંચા અવાજે બોલવું અને કામકાજ રોકવું એ અત્યંત ગંભીર કૃત્ય છે. આવું કૃત્ય માત્ર જજોની માનહાનિ જ નહીં પણ ન્યાયવ્યવસ્થાની પ્રતિષ્ઠા પર હુમલો હોવાનું હાઈકોર્ટની નાગપુર બેન્ચે નોંધીને આવું કૃત્ય કરનારા વકીલ પિતા-પુત્ર પર એક લાખનો દાવા ખર્ચ અને ચાર હજારનો દંડ ઠપકાર્યો હતો.શિસ્તભંગની કાર્યવાહી માટે આ કેસ બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવાને સોંપ્યો હતો.
જજ ઉર્મિલા જોશી-ફલકે અને રાજ વાકોડેની બેન્ચે સોમવારે એડવોકેટ સાગર રાઠોડ (પુત્ર) અને એડવોકેટ દુર્ગાદાસ રાઠોડ સામે આદેશ અપાયો હતો. પિતા-પુુત્ર બંને યાવતમાળના રહેવાસી છે. તેમણે ૨૬ નવેમ્બર ૨૦૨૧ના રોજ ફર્સ્ટ ક્લા. મેજિસ્ટ્રેટ કોર્ટ સાજીદુઝમાન મોહમ્મદ હનીફ શાહીદ સાથે ગેરવર્તન કર્યું હતું. કોર્ટે આરોપીના વોરન્ટ રદ નહીં કરતાં વકીલે અમે તમને જોઈ લઈશું, બારનો ઠરાવ લાવીને કાર્યવાહી કરીશું અને ભ્રષ્ટાચારના પુરાવા વરિષ્ઠોને આપીશું એવી ધમકી આપી હતી. હાઈકોર્ટે આ વર્તન સામે કડક ટ્પ્પિણી કરી હતી. અનુકૂળ આદેશ માટે જજોને ધમકાવવા એ સુસંસ્કૃત ન્યાયવ્યવસ્થામાં ચલાવી લેવાય નહીં. આથી જજોની સ્વતંત્ર કાર્યપદ્ધતિમાં બાધા આવે છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
બંને વકીલોએ બિનશર્ત માફી માગી હતી પણ કોર્ટે તે સ્વીકારી નહોતી. માફી મનથી થયેલા પસ્તાવાનું પ્રતીક હોવું જોઈએ, સજાથી બચવા રચેલી યુક્તિ કે માત્ર કાગઝી માફી હોવી જોઈએ નહીં. ન્યાયવ્યવસ્થાની પ્રતિષ્ઠા અને નિષ્પક્ષતા ટકાવવા આવા કૃત્ય સામે દુર્લક્ષ કરી શકાય નહીં, એમ કોર્ટે નોંધ કરી હતી.




