Mumbai

નીટનાં પેપર સેટ કરનારા લાતુરના પ્રોફેસરની પેપર લીકમાં ધરપકડ

By GS Team
15 May 20262 mins read
નીટનાં પેપર સેટ કરનારા લાતુરના પ્રોફેસરની પેપર લીકમાં ધરપકડ

પ્રોફેસરે અગાઉ પણ પેપરો લીક કર્યાં હોવાની શંકા 

અગાઉ ઝડપાયેલી મનિષા સાથે સંપર્કમાં હતા કેમિસ્ટ્રીના પ્રોફેસરના ઘરેથી દસ્તાવેજો, મોબાઈલ જપ્ત

મુંબઈ: નીટના પેપર સેટ કરનારા  લાતુરના એક નિવૃત્ત  પ્રોફેસર પી. વી. કુલકર્ણીની પણ નીટ પેપર લીક પ્રકરણમાં ધરપકડ થઈ છે. તેઓ અગાઉ આ કેસમાં ઝડપાયેલી  પુણેમાં બ્યુટી પાર્લર ચલાવતી મનીષા વાઘમારેના સંપર્કમાં  હોવાનું જણાયું છે.  પી. વી. કુલકર્ણી કેમિસ્ટ્રી  વિષયના પ્રશ્નપત્ર સેટ કરતા હોવાનું તપાસમાં  જણાયું હતું. સીબીઆઈ તેમના ઘરે છાપો મારી તપાસ માટે કેટલાક દસ્તાવેજો  તથા મોબાઈલ જપ્ત કર્યાં હતાં.   

મનીષાની કોલ  ડિટેલ્સ ચેક કરતાં તે આ પ્રોફેસરના સંપર્કમાં હોવાનું જણાયું હતું રસાયણશા શીખવતા નિવૃત્ત પ્રોફેસર  છેલ્લા બે થી ત્રણ વર્ષથી નીટ પરીક્ષાના પેપર સેટ કરતા હતા. તેઓ ત્રણ-ચાર વર્ષ પહેલાં લાતુરની એક પ્રખ્યાત કોલેજમાંથી નિવૃત્ત થયા હતા.આજે સવારે  સીબીઆઈની  ટીમે પ્રોફેસરને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે. તેમણે અગાઉ પણ પેપર લીક કર્યાં હતાં કે કેમ તે વિશે પણ પૂછપરછ થઈ રહી છે. 

સીબીઆઈ ટીમ હવે તપાસ કરી રહી છે કે શું પ્રોફેસરનો લાતુરની વિવિધ કોલેજો તેમજ ખાનગી કલાસના કોઈપણ વ્યક્તિઓ સાથે સંબંધ હતો કે નહીં. અગાઉ કેટલાક ખાનગી ક્લાસ ચલાવનારાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાંથી કેટલીક હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરાઈ હતી. 

અગાઉ નાસિકમાંથી શુભમ ખૈરનાર તથા પુણેથી મનીષા વાઘમારે ઉપરાંત અહિલ્યા નગરના ધનંજય લોખંડેની નીટ પેપર લીક કેસમાં ધરપકડ થઈ ચૂકી છે.