Mumbai

માનવભક્ષી વાઘણને લેડી ડોક્ટરે ખુદ પીંજરામાં બેસી ડાર્ટ ફાયર કરી બેશુદ્ધ બનાવી

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
નાગપુરના ઉમરેડમાં 2 વ્યક્તિનો ભોગ લેનાર માનવભક્ષી વાઘણને આખરે પકડી પાડવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગની રેસ્ક્યુ ટીમે દિવસોની મહેનત બાદ વાઘણને ઝડપી પાડી. લેડી વેટરનરી ડોક્ટર પ્રિયલ ટૌરાગડેએ હિંમતભેર પીંજરામાં છુપાઈને ડાર્ટ મારી વાઘણને 15 મિનિટમાં બેહોશ કરી દીધી હતી. સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો.

Summarized by AI; it may make mistakes. Check important info

માનવભક્ષી વાઘણને લેડી ડોક્ટરે ખુદ પીંજરામાં બેસી ડાર્ટ ફાયર કરી બેશુદ્ધ બનાવી

નાગપુરના ઉમરેડમાં બે વ્યક્તિનો ભોગ લેનારી વાઘણ આખરે ઝડપાઈ

લેડી વેટરનરી ડોક્ટર હિંમત કરી પીંજરામાં લપાઈને બેઠાં ઃ ડાર્ટની અસરથી ૧૫ મિનિટમાં વાઘણ બેશુદ્ધ થઈ ગઈ

મુંબઈ - નાગપુરના ઉમરેડમાં બે વ્યક્તિનો ભોગ લઈ દહેશત ઊભી કરનારી માનવભક્ષી વાઘણ ફોરેસ્ટ ખાતાની રેસ્ક્યુ ટીમની દિવસોની મહેનત બાદ આજે ઝડપાઈ હતી. રેસ્ક્યુ ટીમના લેડી વેટરનરી ડોક્ટરે ખુદ પીંજરામાં સંતાઈને બેસીને પછી વાઘણ નજીક આવતા બંદૂકમાંથી ડાર્ટ મારીને તેને બેશુદ્ધ બનાવી હતી.  મહિલા અધિકારી દ્વારા આ રીતે પીંજરામાં બેસી કાર્યવાહી કરવાની આ પહેલી જ ઘટના હતી.

ઉમરેડ વિસ્તારમાં છેલ્લાં કેટલાય દિવસોથી સ્થાનિક લોકો આ હુમલાખોર વાઘણના ડરથી ફફડાટમાં જીવતા હતા. વાઘણે એક મહિલા અને એક પુરુષનો ભોગ લીધા પછી માનવવસતીની નજીક તેનાં આંટાફેરા વધી ગયા હતા.

આથી સ્થાનિક લોકોએ વન વિભાગને ગમે તેમ કરીને વાઘણને પકડવા માટે વારંવાર અપીલ કરી હતી.ઉમરેડના જંગલમાં ફરતી વાઘણ ઠેર ઠેર ગોઠવવામાં આવેલા પીંજરામાં કે છટકામાં સપડાતી નહોતી. રેસ્ક્યુ ટીમ તેને પકડવા સતત રઝળપાટ કરતી હતી. આખરે વાઘણના અવરજવરના રૃટ ઉપર એક પીંજરું ગોઠવવામાં આવ્યું હતું જેની અંદર લેડી વેટરનરી ડોક્ટર પ્રિયલ ટૌરાગડે ડાર્ટવાળી બંદૂક સાથે લપાઈને બેસી ગયાં હતાં. જેવી આ વાઘણ નજીક આવતી દેખાઈ કે તરત જ અચૂક નિશાન લઈને તેને ડાર્ટ (પ્રાણીને બેશુદ્ધ કરવાની દવા ભરેલું ટચુકડું તીર) માર્યું હતું. ડાર્ટની અસર થતા પંદર મિનિટમાં જ વાઘણ બેશુદ્ધ થઈ ઢળી પડી હતી. ત્યાર બાદ બચાવ ટીમ વાઘણને ટ્રાન્ઝિટ ટ્રીટમેન્ટ સેન્ટરમાં લઈ ગઈ ત્યારે ઉમેરડના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.