Mumbai
મુંબઇ-હાવડા ટ્રેનમાં 56 લાખના દાગીનાની ચોરી
By GS TEAM
12 Oct 20251 min read

નાસિક પાસે ચોરી થઈ, મનમાડથી ચોર પકડાયો
બેગ ચોર્યા બાદ બેધડક ટ્રેનમાં જ પ્રવાસ ચાલુ રાખ્યો, અતિ આત્મવિશ્વાસ ભારે પડયો
મુંબઇ: મુંબઇથી હાવડા જનારી ટ્રેનમાં પ્રવાસીના ૫૬.૬૮ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી શુક્રવારે થઇ હતી. આ ઘટના નાશિક રેલવે સ્ટેશન નજીક બની હતી. જેમાં આરપીએફએ એક શખસની ધરપકડ કરી છે.
પ્રવાસી પ્રદીપ કુમાર ધર્મપાલ સિંહની બેગ આરોપી રાધે ગજ્જુ બિસોનેએ ચોરી કરી હતી. ટ્રેન નાશિક નજીક પહોંચી ત્યારે બિસોનેએ સિંહના ધ્યાન બહાર તેની બેગ ચોરી કરી લીધી હતી અને ચોરી કર્યા બાદ બિસોને પણ ટ્રેનમાંથી ગાયબ ન રહેતા ટ્રેનમાં જ પ્રવાસ કરી રહ્યો હતો. દરમિયાન સિંહને પોતાની બેગ ગાયબ થયાની જાણ થતા તરત તેણે આરપીએફને જાણકારી આપી હતી.
આરપીએફ સિંહની ફરિયાદને અનુસરીને ચોરટાની તપાસ હાથ ધરી હતી અને ટ્રેન મનમાડ સ્ટેશન નજીક પહોંચી ત્યારે આરપીએફે બિસોનેને પકડી પાડયો હતો. બિસોનેનો સામાન તપાસતા તેમાંથી સિંહની બેગ મળી આવી હતી. જેમાં ૫૦ તોલા સોના અને ચાંદીના દાગીના હતા. જેમની કુલ કિંમત ૫૬.૬૮ લાખ જેટલી હતી.








