તહેવારો પહેલા મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, મુંબઈમાં દૂધની કિંમતોમાં પ્રતિ લીટર રૂ. 9નો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumbai Milk Price : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આમ આદમીના બજેટ પર મોંઘવારીનો વધુ એક મોટો પ્રહાર થયો છે. મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (MMPA) દ્વારા દૂધની જથ્થાબંધ કિંમતમાં લિટર દીઠ સીધો ₹9 નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારા બાદ ભેંસના તાજા દૂધનો જથ્થાબંધ ભાવ ₹93 થી વધીને ₹102 પ્રતિ લિટર પહોંચી જશે.
નવા દરો 28 ફેબ્રુઆરી 2027 સુધી અમલમાં રહેશે
MMPAના જણાવ્યા અનુસાર, દૂધના આ નવા દરો 1 સપ્ટેમ્બર 2026થી લાગુ થશે અને 28 ફેબ્રુઆરી 2027 સુધી અસરકારક રહેશે. એટલે કે આગામી છ મહિના સુધી મુંબઈકરોએ મોંઘા ભાવે જ દૂધ ખરીદવું પડશે, ત્યારબાદ કિંમતોની ફરી સમીક્ષા કરાશે. અગાઉ ફેબ્રુઆરી 2026માં ભાવ ₹91 થી વધારીને ₹93 કરાયા હતા. જોકે, MMPAના 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે ₹9 નો આ સૌથી મોટો વધારો છે.
શા માટે વધારવામાં આવ્યા દૂધના ભાવ?
દૂધ ઉત્પાદકોના જણાવ્યા મુજબ, પશુ આહાર, ખાણ અને દૂધાળા પશુઓનો ઉછેર ખર્ચ ખૂબ વધી ગયો છે. પશુ આહારમાં વપરાતા અનાજ, તુવેર ચુની અને ચણા ચુની જેવી વસ્તુઓના ભાવમાં આશરે 25 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. આ સિવાય ઘાસચારો અને ખોળ પણ મોંઘા થતાં ઉત્પાદન ખર્ચ સીધો જથ્થાબંધ કિંમતો પર ટ્રાન્સફર કરવાની ફરજ પડી છે.
3,000 થી વધુ રીટેલર્સ પર અસર, ગ્રાહકોનું બજેટ ખોરવાશે
MMPAના ચેરમેન સી.કે. સિંહના જણાવ્યા અનુસાર, મુંબઈમાં 3,000 થી વધુ ચિલર રીટેલર્સ દ્વારા દૂધનું વેચાણ થાય છે. ₹102 એ જથ્થાબંધ દર હોવાથી છૂટક બજારમાં ગ્રાહકો સુધી પહોંચતા દૂધની અંતિમ કિંમત અલગ હોઈ શકે છે. આગામી દિવસોમાં ગણેશોત્સવ અને નવરાત્રી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે દૂધ, દહીં, પનીર અને મીઠાઈઓ મોંઘી થતાં સામાન્ય પરિવારના રસોડાનું બજેટ ખોરવાઈ જશે.




