મુંબઈમાં કોરોના-સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો : હોસ્પિટલોમાં ભીડ

હાઈ ફીવર અને લાંબા સમયથી રહેતી ઉધરસ જેવા લક્ષણો
બ્રીચ કેન્ડી હોસ્પિટલની લેબમાં રોજના ૭થી વધુ કોવિડ અને H1N1ના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે
મુંબઈ: મુંબઈમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના, સ્વાઇન ફ્લૂ (લ્લ૧શ૧) અને અન્ય વાયરલ ચેપના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલોમાં ઊંચા તાવ, સતત ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો સાથે દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે.
રિપોર્ટ મુજબ, કેટલાક દર્દીઓના ફેફસાંમાં ગંભીર ચેપ જોવા મળી રહ્યો છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે.
ખાસ કરીને વૃદ્ધો, નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને ડાયાબિટીસ, હૃદયરોગ કે અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા લોકો વધુ અસરગ્રસ્ત થઈ રહ્યા છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મુંબઈમાં કોવિડ ઉપરાંત સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા અને અન્ય સીઝનલ વાયરસ પણ સક્રિય હોવાથી દર્દીઓમાં લગભગ એકસરખાં લક્ષણો જોવા મળી રહ્યા છે. તેના કારણે કયો ચેપ છે તે જાણવા માટે ટેસ્ટ કરાવવો જરૂરી બની રહ્યો છે.
હોસ્પિટલોના જણાવ્યા મુજબ ઘણા દર્દીઓ શરૂઆતમાં સામાન્ય વાયરલ તાવ સમજી સારવાર લેતા નથી, પરંતુ તાવ લાંબો ચાલે અથવા શ્વાસની તકલીફ વધે ત્યારે હોસ્પિટલ પહોંચે છે. આ પ્રકારના કિસ્સાઓમાં ચેપ ફેફસાં સુધી પહોંચી જવાની શક્યતા વધી જાય છે.









