રણબીરની રામાયણના પ્રોડયૂસર નમિત મલ્હોત્રા પર આવકવેરાના દરોડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નમિત મલ્હોત્રાની પ્રાઈમ ફોક્સ વીએફએક્સની બહુ મોટી કંપની છે
ફિલ્મ પ્રોડક્શન અને બિઝનેસના નામે વિદેશમાં ભંડોળ ટ્રાન્સફરની તપાસઃ વાસુ ભગનાની બાજ બીજા પ્રોડયૂસર પર દરોડા
મુંબઈ - રણબીર કપૂર તથા સાઈ પલ્લવી સહિતના કલાકારોની 'રામાયણ' ફિલ્મની રીલિઝનું કાઉન્ટડાઉન શરુ થઈ ચૂક્યું છે તેવા સમયે જ આ ફિલ્મના પ્રોડયૂસર તથા ફિલ્મ ઉદ્યોગની બહુ મોટી વીએફએક્સ કંપની પ્રાઈમ ફોક્સના માલિક નમિત મલ્હોત્રો ત્યાં આવકવેરાના દરોડા પડતાં ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો. હજુ થોડા દિવસો પહેલાં બોલિવુડના એક મોટા પ્રોડયૂસર વાસુ ભગનાની ત્યાં દરોડા બાદ સતત બીજા પ્રોડયૂસર સાણસામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, આવકવેરા વિભાગ દ્વારા કથિત કરચોરી, નાણાકીય અનિયમિતતાઓ અને વિદેશી ભંડોળ ટ્રાન્સફર સાથે સંકળાયેલા વ્યવહારો અંગે તપાસ થઈ રહી છે. આ સંદર્ભમાં, પ્રાઇમ ફોકસ અને સીએના પરિસરમાં દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ કાર્યવાહી અંગે આવકવેરા વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
બીજી તરફ આ કાર્યવાહીના કારણે બુધવારે કંપનીના શેરમાં આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે,કંપનીએ આ વર્ષે રેગ્યુલેટરી તપાસનો પણ સામનો કરવો પડયો હતો. જૂનમાં, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ પ્રાઇમ ફોકસ સામે એકાઉન્ટિંગ અને નાણાકીય ડિસ્ક્લોઝર અંગે કોઈ અનિયમિતતા ન મળ્યા બાદ કાર્યવાહી બંધ કરી દીધી હતી.
દરમિયાન આવકવેરા દ્વારા આ કાર્યવાહી વિદેશી રેમિટન્સ નામે મોટા પાયે નાણા ટ્રાન્સફર સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. જો કે, આવકવેરા વિભાગ કે પ્રાઇમ ફોક્સે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.
પ્રાઇમ ફોકસ મીડિયા અને ઈન્ટરટેઈન્મેન્ટ ઈડસ્ટ્રીઝની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. આ કંપની વિઝયુઅલ ઇફેક્ટ્સ (વીએફએક્સ), એનિમેશન, પોસ્ટ-પ્રોડક્શન અને અન્ય ટેકનિકલ કાર્યમાં સામેલ છે. નમિત મલ્હોત્રા કંપનીના સ્થાપક છે અને કંપની હાલ 'રામાયણ ' ફિલ્મના પહેલા ભાગની રીલિઝની તૈયારીઓમાં વ્યસ્ત છે.
આ કાર્યવાહી ગયા અઠવાડિયાના આવકવેરા વિભાગના દરોડા સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે, ૨૮ સપ્ટેમ્બરના રોજ, આવકવેરા વિભાગે મુંબઈમાં બોલિવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની અને 'દ્રશ્યમ થ્રી' બનાવનારા પેનોરમા સ્ટુડિયો સાથે જોડાયેલા આશરે બાર સ્થળોએ દરોડા પાડયા હતા. અહેવાલો અનુસાર દરોડા દરમિયાન એકાઉન્ટ બુક, ડિજિટલ ડેટા અને વિવિધ નાણાકીય વ્યવહારો સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી અને કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આમાં આવકવેરા વિભાગની તપાસ ફિલ્મ પ્રોજેક્ટ ખર્ચમાં વધારો, નિર્માણ સંબંધિત ખર્ચમાં અનિયમિતતા અને શૂટિંગના નામે અને વિદેશમાં રેમિટન્સની આડમાં વિદેશમાં ભંડોળ ટ્રાન્સફર કરવાના આરોપો પર કેન્દ્રિત હતી. જો કે, આ મામલો હજુ પણ તપાસ હેઠળ છે.




