મુંબઈમાં હવે લગ્ન થાય એ જ દિવસે રજિસ્ટ્રેશન થઈ જશે

ચટ મંગની પટ શાદી, ઝટ નોંધણી
બીએમસી ઝડપી નોંધણી સેવાના બદલામાં વધારાની ફી વસુલ કરશે
મુંબઈ - મુંબઈની આબાદી સવા કરોડથી વધુ છે એ હકીકત ધ્યાનમાં લઈને કહી શકાય કે દર વર્ષે હજારો લગ્નો થાય છે. આમ છતાં ૩૦થી ૩૫ હજાર લગ્નોનું જ રજિસ્ટ્રેશન થાય છે. આનું મુખ્ય કારણ છે કે લગ્નના રજિસ્ટ્રેશન માટેની ડકાકૂટ ભરેલી વિધિને કારણે નોંધણીનો દર ઓછો છે. આ બાબત ધ્યાનમાં લઈને મુંબઈ મહાનગરપાલિકાએ મેરેજ રજિસ્ટ્રેશનની વિધિ એકદમ ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે.
બીએમસી તરફથી આપવામાં આવેલી સુપરફાસ્ટ સુવિધા હેઠળ લગ્ન થાય એ જ દિવસે મેરેજ રજિસ્ટ્રેશન (વિવાહની નોંધણી) થઈ જશે. જોકે ઝડપી વિવાહ નોંધણી સેવા માટે વધારાની ફી ચૂકવવી પડશે.
દરેક દંપતી માટે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ ગણાય છે. જુદા જુદા સરકારી કામો અને કોર્ટ કેસમાં પણ આ લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર જરૃરી બની રહે છે. આમ છતાં મુંબઈમાં દર વર્ષે જેટલા લગ્નો થાય છે તેની સરખામણીએ રજિસ્ટ્રેશનનું પ્રમાણ ઘણું ઓછું છે. આ બાબતની તપાસ કરવામાં આવતા એક કારણ સામે આવ્યું હતું કે લગ્નની ધમાલમાં મેરેજ રજિસ્ટ્રેશન કરાવવા જવાનો ઘણાને સમય નથી મળતો. કારણ રજિસ્ટ્રેશન કરાવવા જાય તો ત્યાં વિધિ પતાવતા લાંબો સમય લાગે છે. આ બાબત ધ્યાનમાં લઈને મહાપાલિકાએ મેરેજ રજિસ્ટ્રેશન પક્રિયા ઝડપી બનાવવા માટેના તત્કાળ પગલા લીધા છે.
મહાનગરપાલિકાના સાર્વજનિક આરોગ્ય વિભાગ તરફથી લગ્નની નોંધણી કરવામાં આવે છે. હવેથી શનિવારે અને રવિવારે પણ મેરેજ રજિસ્ટ્રેશન સેવા આપવામાં આવશે. આવી જ રીતે સોમવારથી શુક્રવાર ઓફિસ ટાઇમ દરમિયાન ૨૦ ટકા મેરેજ રજિસ્ટ્રેશન ફાસ્ટટ્રેક પર કરવામાં આવશે. આ સેવા અંતર્ગત જે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે તે ક્યુઆર કોડ સાથે અપાશે. ટૂંક સમયમાં ડિજિલોકર સુવિધા પણ આ સર્ટિફિકેટમાં ઉપલબ્ધ કરાશે.
શનિવારે અને રવિવારે વિવાહ નોંધણી કરાવવા ઇચ્છતા હોય એમણે આગલા દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડશે. ઝડપી વિવાહ નોંધણી માટેની અરજી એજ દિવસે પ્રક્રિયા માટે ઓનલાઇન રજૂ કરી શકાશે.
ઝડપી વિવાહ નોંધણી સેવા માટે નિયમિત શુલ્ક ઉપરાંત વધારાના ૨૫૦૦ રૃપિયા ચૂકવવા પડશે. આ રકમ મહાપાલિકાની સત્તાવાર વેબસાઈટ ઉપર ઓનલાઇન ભરી શકાશે. આ ઝડપી સેવા ૨૧મી સપ્ટેમ્બરથી શરૃ કરવામાં આવી છે.








