'વિરોધનો અધિકાર ફક્ત ભારતીય નાગરિકોને' હાઈકોર્ટના ઠપકા બાદ ઈમરાને માફી માગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સાત ડિસેમ્બર સુધી ભારત છોડો નોટિસ પર મનાઈહુકમ
આ તો ભારતની ઉદારતા છે કે તમને પહેલાં નોટિસ આપી, અમેરિકામાં આવું કર્યું હોત તો બીજી જ ફલાઈટમાં રવાના કરી દીધા હોત ઃ હાઈકોર્ટ
મુંબઈ - અમેરિકન નાગરિક અને ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડધારક અભિનેતા ઈમરાન ખાન મતદારયાદીના સ્પેશ્યલ ઈન્સેન્ટિવ રિવિઝન (એસઆઈઆર) સામેના વિરોધમાં કથિત ભાગ લેવા બદલ બિનશરતી માફી માગ્યા બાદ બોમ્બે હાઈકોર્ટે તેનેે ભારતમાં રહેવાની મંજૂરી આપી હતી. કોર્ટે અભિનેતાની અરજી પર સાત ડિસેમ્બરે સુનાવણી રાખીને ત્યાં સુધી ભારત છોડવાની નોટિસને સ્થગિત રાખવામાં આવી છે.
કોર્ટે ખાનને સવાલ કર્યો હતો કે તમે આંદોલનના સ્થળે શા માટે ગયા હતા? તમારે તેની સ્પષ્ટતા કરવી પડશે કે આંદોલન સાથે મારે કોઈ સંબંધ નહોતો. આંદોલન એસઆઈઆરને મુદ્દે હતું જેની સાથે તમારે કોઈ લેવાદેવા નહોતી.
દેખીતી રીતે તમે ભારતીય નાગરિક નથી . ભારતમાં વિરોધ કરવાનો મૂળભૂત અધિકાર ફક્ત ભારતીય નાગરિકોને છે. આ તો ભારતની ઉદારતા છે કે તમને પહેલાં નોટિસ આપવામાં આવી છે. તમારા અમેરિકામાં જો કોઈ ભારતીય નાગરિકે આ રીતે આંદોલનમાં ભાગ લીધો હોત તો તેને બીજી જ ફલાઈટમાં રવાના કરી દેવાયો હોત એમ કોર્ટે જણાવ્યું હતું.
ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (એફઆરઆરઓ) દ્વારા જારી ભારત છોડો નોટિસને પડકારતી તેમની અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે અવલોકન કર્યું હતું કે ઓસીઆઈ કાર્ડધારકો દેશની મહેરબાનીથી અહીં રહે છે અને ભારતીય નાગરિકો જેવા જ અધિકારોનો દાવો કરી શકે નહીં. કોર્ટે અભિનેતાને બાંયધરી રજૂ કરવા કહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં વિરોધ પ્રદર્શનો અને આંદોલનમાં ભાગ લેવાનું ટાળશે. બાળપણથી ભારતમાં રહો છો, દેશ પ્રત્યે થોડું મોટું મન દાખવો. તમારા ફોલોઅર્સ યુવાનો છે તેમને ખોટો સંદેશો આપો નહીં, એમ કોર્ટે ટકોર કરી હતી. ફક્ત બાંયધરી નહીં ચાલે તમારે બિનશરતી માફી માગવી પડશે, અમે કોર્ટે જણાવ્યું હતું.
ઈમરાન ખાન ે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે એક્ઝિક્યુટિવ અધિકારીઓએ તેમને કોઈ પૂર્વ સુનાવણી આપી ન હતી, ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) તરીકેના તેમના કાયદાકીય અધિકારોને અવગણ્યા હતા અને દેશ છોડવાનો નિર્દેશ આપતી વખતે ઉતાવળમાં કામ કર્યું હતું.
૧૭ ઓક્ટોબરના રોજ દાખલ કરાયેલી અરજીમાં ખાને હકાલપટ્ટીના નિર્દેશ જારી કરવામાં અસામાન્ય ઉતાવળ પર પ્રકાશ પાડયો છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે અધિકારીઓએ સ્વતંત્ર રીતે કાર્ય કરવાને બદલે રાજકીય કાર્યકરો દ્વારા જાહેર સોશિયલ મીડિયા ઝુંબેશના દબાણ હેઠળ કામ કર્યું હતું.
અરજીમાં દલીલ કરવામાં આવી છે કે એફઆરઆરઓએ નાગરિકતા કાયદાની કલમ ૭ડીને અવગણી છે જ ઓસીઆઈ કાર્ડધારકના આજીવન નિવાસી દરજ્જાને રદ કરતા પહેલા ઔપચારિક કારણ બતાવો નોટિસ અને સુનાવણીની વાજબી તકને ફરજિયાત બનાવે છે.
૧૭ ઓક્ટોબરના રોજ, એફએફઆરઓએ ખાનને કારણદર્શક નોટિસ પણ જારી કરી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે નાગરિકતા કાયદાની કલમ ૭ડી હેઠળ તેમનું ઓસીઆઈ નોંધણી કેમ રદ ન કરવી જોઈએ.




