૩૮૩ કૃત્રિમ કુંડ તથા ૬૭ બીચ, તળાવો પર વિસર્જન થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગિરગાંવ ચોપાટી પર ૨૨ કુંડ બનશે
બીએમસીના ૨૫ હજાર કર્મચારીઓ ફરજ પર રહેશેઃ તરાપા, ક્રેન, એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હશે
મુંબઈ - મુંબઈમાં ગણેશ વિસર્જન માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી છે. છ ફૂટ સુધીની ગણેશ પ્રતિમાઓનાં કૃત્રિમ તળાવમાં વિસર્જન અંગે હાઇકોર્ટના નિર્દેશને પગલે શહેરમાં ૨૭૮ સ્થળોએ ૩૮૩થી વધુ કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે છ ફૂટથી વધુ ઊંચાઈની પ્રતિમાઓ માટે ૪૪ સમુદ્રકિનારા તથા જેટી અને ૨૩ કુદરતી તળાવો મળીને ૬૭ કુદરતી વિસર્જન સ્થળોએ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
દરમિયાન, દરિયાકિનારે 'બ્લુ બટન જેલીફિશદ અને 'સ્ટિંગ રે' જેવા જળચરથી ડંખનો ભય રહેતો હોવાથી નાગરિકોને સાવચેતી રાખવા અને બીએમસી તથા પોલીસની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ગણેશમંડળોના ૮થી ૧૦ સ્વયંસેવકોને આગ, વીજ અકસ્માત, ભીડ વ્યવસ્થાપન, પ્રાથમિક સારવાર અને સીપીઆર અંગે તાલીમ પણ આપવામાં આવી છે
શહેરના વિવિધ સ્થળે વિસર્જન વ્યવસ્થા માટે બીએમસીના પચ્ચીસ હજારથી વધુ અધિકારી-કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત વિસર્જન સ્થળ પર ૧,૧૯૪ સ્ટીલ પ્લેટ, ૨૩ જર્મન તરાપા, ૩૪ ક્રેન, ૮૫ એમ્બ્યુલન્સ, ૧૦ મોટરબોટ, ૧,૧૩૨ લાઈફ ગાર્ડ , ૪૯૮ નિર્માલ્ય કળશ, ૩૨૬ નિર્માલ્ય ડમ્પર, ૨૬૧ સ્વાગત કક્ષ, ૨૨૮ નિયંત્રણ કક્ષ અને ૭૫ નિરીક્ષણ મિનારા તૈયાર કરાયા છે. વિસર્જન સ્થળોએ ૬,૦૫૨ ફ્લડલાઇટ-સર્ચલાઇટ તથા ૪૮૯ મોબાઈલ શૌચાલયોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્વરાજ્ય ભૂમિ એટલે કે ગિરગાંવ ચોપાટી પર સૌથી વધુ વિસર્જન થતું હોવાથી અહીં ૧૨ કૃત્રિમ તળાવો, ૨૦ મિનારા, ૯૦ શૌચાલય, ૨૨ તરાપા, ૧,૧૯૪ સ્ટીલ પ્લેટ, ૨૨ નિર્માલ્ય કળશ, ત્રણ એમ્બ્યુલન્સ, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આશરે ૧,૦૦૦ કર્મચારીઓ તૈનાત રહેશે.
વિસર્જન માર્ગો પર ૨૮૧ સ્થળે અવરોધરૃપ કેબલ દૂર કરાયા છે. ૫૦૬ રસ્તાઓ પરના ૪,૨૭૯ ખાડા અને ૧૭૧ ડ્રેનેજ કવરનું સમારકામ કરવામાં આવ્યું છે, જ્યારે ૫૧૫ સ્થળે વૃક્ષોની છટણી કરાઈ છે.




