Mumbai

'હું દિશા સાલિયાનને ક્યારેય મળ્યો જ નથી', CBI તપાસ શરૂ થતાં આદિત્ય ઠાકરેએ 6 વર્ષે તોડ્યું મૌન!

By GS Team
17 Sep 20264 mins read
TukuTouch Logo
દિશા સાલિયાન કેસમાં CBI દ્વારા FIR દાખલ થતા, આદિત્ય ઠાકરેએ 6 વર્ષે મૌન તોડ્યું છે. તેમણે પોતાના પર લાગેલા આરોપો ફગાવતા કહ્યું કે, તેઓ દિશાને ક્યારેય મળ્યા નથી કે ઓળખતા પણ નથી. આદિત્યએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, રાજકીય અને વ્યક્તિગત કારણોસર તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેઓ સત્ય માટે લડતા રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું દિશા સાલિયાનને ક્યારેય મળ્યો જ નથી', CBI તપાસ શરૂ થતાં આદિત્ય ઠાકરેએ 6 વર્ષે તોડ્યું મૌન!

Disha Salian Death Case: દિશા સાલિયાનના મોત સાથે જોડાયેલા કેસમાં CBI દ્વારા FIR દાખલ કરવામાં આવ્યા બાદ શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ 6 વર્ષે પહેલીવાર મૌન તોડ્યું છે. તેમણે પોતાના પર લગાવવામાં આવી રહેલા આરોપોને ફગાવી દીધા છે. આ સાથે જ આદિત્ય ઠાકરેએ કહ્યું કે, હું દિશા સાલિયાનને ક્યારેય મળ્યો જ નથી અને ન તો મારો તેમની સાથે કોઈ પરિચય હતો. આદિત્યનું આ નિવેદન સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સેલિબ્રિટી મેનેજર દિશા સાલિયાનના 2020માં થયેલા મોતની તપાસ શરૂ કરવા માટે FIR નોંધવાના થોડા દિવસો બાદ આવ્યું છે. આ FIR દિશાના પિતા સતીશ સાલિયાનની ફરિયાદ પર નોંધવામાં આવી હતી, જેમાં તેમણે આ કેસમાં આદિત્ય ઠાકરે સહિત અનેક નેતાઓ અને પોલીસ અધિકારીઓની ભૂમિકાની તપાસની માગ કરી હતી.

આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે છેલ્લા લગભગ છ વર્ષથી કેટલાક લોકો સતત મારું નામ આ કેસ સાથે જોડી રહ્યા છે. આવું રાજકીય અને વ્યક્તિગત કારણોસર કરવામાં આવી રહ્યું છે અને એનો હેતુ મારી છબી ખરાબ કરવાનો છે. આ કેસને લઈને કોઈપણ પુરાવા વિના મારી વિરુદ્ધ વાતો કરવામાં આવી રહી છે. આદિત્ય ઠાકરેએ ટીવી ડિબેટ અને મીડિયા ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ પ્રકારની ચર્ચાઓથી સત્ય બદલાઈ ન શકે.

અફવાઓ પર આદિત્ય ઠાકરેએ તોડ્યું મૌન

આદિત્ય ઠાકરેએ લખ્યું કે, 'ચાલો, ફાલતુ વાતોને છોડીને એકવાર ફરી વાસ્તવિકતા પર વાત કરીએ, હું દિશા સાલિયાનને ક્યારેય મળ્યો જ નથી અને ન તો તેમને ઓળખું છું. છેલ્લા લગભગ 6 વર્ષથી કેટલાક લોકો સ્પષ્ટ રાજકીય અને વ્યક્તિગત હેતુઓથી મારું નામ આ દુઃખદ કેસ સાથે સતત જોડી રહ્યા છે. આ મારી છબી ખરાબ કરવાનો એક ઈરાદા પૂર્વકનો અને પુરાવા વગરનો પ્રયાસ છે. કોઈપણ પુરાવા કે સત્ય વિના ચોક્કસ હેતુ ધરાવતા લોકો દ્વારા સતત મારી છબી ખરાબ કરવાનું અભિયાન ચલાવવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જોર-શોરથી થતી ટીવી ડિબેટ અને મીડિયા ટ્રાયલથી સત્ય નથી બદલાતું. રાજકીય હેતુઓ માટે ખોટા ઈરાદાઓ અને છબી ખરાબ કરવાના પ્રયાસો વિના, આ કેસની સત્તાવાર પુનઃતપાસને આગળ વધવા દો. એકવાર ફરી, જે લોકો વિચારે છે કે આવા ખરાબ પ્રયાસો અને રાજકીય ઉપયોગથી આપણે સત્ય અને આપણા સાથી નાગરિકો માટે લડવાથી પાછળ હટી જઈશું, તેમની આ રણનીતિ નિષ્ફળ જશે. અમે હંમેશા સત્યની સાથે ઊભા રહીશું અને તેના માટે લડતા રહીશું. આવા પ્રયાસોથી અમે પાછળ નથી હટવાના.'

આદિત્ય ઠાકરેએ એક બીજી પોસ્ટમાં લખ્યું, 'અફવાઓને રોકવા માટે, હું ફક્ત અને ફક્ત સત્ય બતાવી રહ્યો છું! હું દિશા સાલિયાનને ક્યારેય નથી મળ્યો, અને ન તો હું તેમને ઓળખતો હતો. છેલ્લા 6 વર્ષથી કેટલાક લોકો રાજકીય હેતુ, વ્યક્તિગત દુશ્મની અને ચરિત્ર હનનની દાનતથી જાણી-જોઈને મારું નામ આ દુઃખદ ઘટના સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આનો કોઈ પુરાવો કે સંબંધ નથી. કોઈપણ તથ્ય કે સત્ય વગરનો આ સતત ખોટો પ્રચાર દુઃખદ છે. ટીવી ચેનલો પર ખોટી ચર્ચાઓ અને પોકળ દાવાઓ દ્વારા કરવામાં આવેલા મીડિયા ટ્રાયલ સત્યને બદલી શકતા નથી. સરકારી તંત્રને આ તપાસ નવેસરથી કરવા દો-કોઈપણ દખલ વગર, કોઈપણ રાજકીય હસ્તક્ષેપ વગર, ચરિત્ર હનન વગર અને નિષ્પક્ષ રીતે. હું ફરીથી કહું છું, જો તમને લાગતું હોય કે આ પ્રકારના ચરિત્ર હનન અને ખોટા પ્રચારથી તમે અમને ચુપ કરાવી શકશો, તો આ તમારી ભૂલભરેલી માન્યતા છે. સત્ય માટે અને અન્યાય સામે અમારી લડાઈ ચાલુ રહેશે, અને અમે દેશવાસીઓને પણ સાથે લઈને ચાલીશું!'

શું છે સમગ્ર મામલો?

સમગ્ર કેસની વાત કરીએ તો દિશા સાલિયાનનું મોત 8 જૂન 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં એક બિલ્ડિંગ પરથી પડ્યા બાદ થયું હતું. તે સમયે દિશાની ઉંમર 28 વર્ષ હતી. તે સેલિબ્રિટી મેનેજર તરીકે કામ કરતી હતી અને કેટલાક સમય સુધી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર પણ રહી હતી. દિશાના મોતના થોડા જ દિવસો બાદ, 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત પણ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને ઘટનાઓ વચ્ચે માત્ર થોડા જ દિવસોનું અંતર હોવાને કારણે દિશાના મોતને લઈને પણ અનેક પ્રકારના સવાલો ઊઠવા લાગ્યા હતા.

દિશાના મોત બાદ મુંબઈ પોલીસે શરૂઆતમાં આને એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) તરીકે નોંધ્યો હતો. બાદની તપાસમાં પોલીસે આને આત્મહત્યા ગણાવી હતી. પોલીસ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે તપાસ દરમિયાન કોઈ ગુનાહિત કાવતરા કે કોઈ પ્રકારના જાતીય હુમલાના પુરાવા નથી મળ્યા. કેસની તપાસ માટે SIT પણ બનાવવામાં આવી હતી.

પરંતુ દિશાના પિતા સતીશ સાલિયાન તપાસથી સંતૃષ્ટ નહોતા. તેમણે પોતાની પુત્રીના મોતના સંજોગો પર સવાલો ઉઠાવતા દાવો કર્યો કે કેસની યોગ્ય રીતે તપાસ થઈ નથી. તેમણે પોતાની અરજીમાં નવેસરથી તપાસ અને FIR નોંધવાની માંગ કરી હતી. તેમનો આરોપ હતો કે કેટલાક પ્રભાવશાળી લોકોને બચાવવા માટે કેસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.