'હું કોઈ નેતાની પત્ની તરીકે નહીં, નાગરિક તરીકે બોલું છું': ગરબામાં મુસ્લિમોની એન્ટ્રીના સમર્થનમાં અમૃતા ફડણવીસનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amruta Fadnavis On Garba Row : મહારાષ્ટ્રમાં નવરાત્રિ મહોત્સવ શરૂ થાય તે પહેલાં જ ગરબા અને દાંડિયાના આયોજનોમાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ વધુ વણસ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા મુસ્લિમોને ગરબા-દાંડિયાના કાર્યક્રમોથી દૂર રાખવાની માગણી સામે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. પોતાના આ નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરી રહેલા અમૃતાએ વળતો જવાબ આપતાં કહ્યું છે કે, તેમને જાણીજોઈને ‘પોલિટિકલ વાઈફ’ ગણીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
તહેવારો સૌને સાથે રાખવા માટે હોય છે : અમૃતા ફડણવીસ
વીએચપીના વલણનો વિરોધ કરતાં અમૃતા ફડણવીસે (Amruta Fadnavis) જણાવ્યું કે, તહેવારો હંમેશાં દરેક વર્ગને સાથે લઈને ચાલવા માટે હોય છે અને ધર્મના આધારે કોઈપણ વ્યક્તિ સાથે ભેદભાવ થવો જોઈએ નહીં. રસપ્રદ વાત એ છે કે તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ ખુદ વીએચપીની માગણીનું સમર્થન કરી રહ્યા હતા. નિવેદન વાયરલ થયા બાદ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ કોઈપણ રાજકીય પદ કે ભૂમિકા હેઠળ નહીં, પરંતુ એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર્તા તરીકે આ વિચાર રજૂ કરી રહ્યાં છે, છતાં તેમને ‘પોલિટિકલ વાઈફ’ બનાવીને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.
વીએચપી દ્વારા આયોજકો માટે કડક માર્ગદર્શિકા જારી
નવરાત્રિ પૂર્વે વીએચપી દ્વારા મહારાષ્ટ્રમાં ગરબા અને દાંડિયાના આયોજકો માટે કડક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સંગઠને મુસ્લિમોને આ કાર્યક્રમોથી દૂર રાખવાની માગણી સાથે આયોજકોને દરેક પ્રવેશકર્તાની યોગ્ય ઓળખ ચકાસવા માટે જણાવ્યું છે. અહેવાલો અનુસાર, કેટલાક આયોજનોમાં પ્રવેશ મેળવનાર વ્યક્તિના ઓળખપત્રની ચકાસણી કરવા અને હિન્દુ શ્રદ્ધાળુઓના કપાળ પર તિલક લગાવવા જેવી વ્યવસ્થા અમલમાં મૂકવાની પણ અપીલ કરવામાં આવી છે.
ગરબા મનોરંજન નહીં પણ આસ્થાનું પર્વ : વીએચપીની દલીલ
વીએચપીનું માનવું છે કે, ગરબા એ માત્ર નાચ-ગાન કે મનોરંજનનું સાધન નથી, પરંતુ મા જગદંબાની આરાધના સાથે જોડાયેલો પવિત્ર ધાર્મિક ઉત્સવ છે. આવા આયોજનોમાં ઓળખ છુપાવીને અસામાજિક તત્વો પ્રવેશી ન જાય તે માટે આયોજકોએ સતર્ક રહેવું જરૂરી છે. બીજી તરફ, વીએચપીની આ કડક શરતો સામે વિપક્ષી પક્ષો અને કેટલાક સામાજિક સંગઠનોએ પ્રશ્નો ઉઠાવીને તેનો વિરોધ કર્યો છે.
ભાજપ નેતા નિતેશ રાણેએ વીએચપીની માગણીને ટેકો આપ્યો
આ વિવાદ ત્યારે વધુ ગરમાયો જ્યારે મહારાષ્ટ્રના ભાજપ નેતા નિતેશ રાણે (Nitesh Rane)એ વીએચપીના આ વલણનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. તેમણે ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તરફેણ કરતાં 'લવ જેહાદ'નો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે જ તેમણે કાર્યક્રમમાં પ્રવેશતા તમામ લોકોની ઓળખની કડક તપાસ કરવાની સિસ્ટમ લાગુ રાખવાની પણ ભલામણ કરી હતી.




