Mumbai

પત્નીની નજર સામે જ ટ્રેનના દરવાજેથી પટકાયેલા પતિનું મોત

By GS Team
9 Jan 20262 mins read
પત્નીની નજર સામે જ ટ્રેનના દરવાજેથી પટકાયેલા પતિનું મોત

મહાલક્ષ્મીના ગુજરાતી  એન્જિનિયરે જીવ ગુમાવ્યો

સ્ટેશન નજીક આવતાં  ડોર પાસે ગયા અને પટકાયા ઃ ૮ વર્ષની સ્પેશિયલ ચાઈલ્ડ બાળકીએ  પિતાનું છત્ર ગુમાવ્યું

 મુંબઈ -   માહિમ સ્ટેશન પાસે પત્ની સહિત પરિવારજનોની નજર સામે જ ગુજરાતી યુવક ચાલુ ટ્રેનમાંથી પટકાતાં તેનું મોત નીપજ્યું હતું.  દાદર સ્ટેશને ઉતરવાનું હોવાથી તે પહેલાં બેગ સાથે કોચના દરવાજે ઉભા રહેલા યુુવકે અચાનક સંતુલન ગુમાવ્યુું હતું અને પત્ની હજુ કાંઈ સમજે કે બચાવવા પ્રયાસ કરે તે પહેલાં ટ્રેનમાંથી પટકાતાં ગંભીર ઈજાને કારણે તેનું મોત નીપજ્યું હતું.  આ દુર્ઘટનાને કારણ ફક્ત આઠ વર્ષની  સ્પેશિયલ ચાઈલ્ડ દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે. 

 મહાલક્ષ્મીમાં એસ.કે રાઠોડ માર્ગમાં રહેતાં ૩૮ વર્ષના મેઘવાળ સમાજના વિજય મોહનભાઈ વિરાસ તેમના પરિવાર સાથે સુરતમાં જુના હનુમાન મંદિર દર્શને ગયા હતા. ગુરુવારે મુંબઈથી નીકળ્યા હતા અને રવિવારે પાછા ફરી રહ્યા હતા. મુંબઈ પરત આવતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી.  વિજય વરલીની એક ખાનગી કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે અને પત્ની એક કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. જ્યારે તેમની આઠ વર્ષની દીકરી સ્પેશિયલ ચાઈલ્ડ છે.

આ ઘટના વિશે માહિતી આપતાં વિજયની પત્ની દક્ષા વિરાસે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે, મારા સાસુ, મમ્મી, દીકરી અને વિજય અમે બધા સુરત દર્શને ગયા હતા. સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં સુરતથી રવિવારે આવી રહ્યા હતા ત્યારે અમને દાદર સ્ટેશન ઉતારવાનું હતું. સામાન ખૂબ હોવાથી દાદર સ્ટેશન આવે એ પહેલા વિજય બે બેગ લઈને દરવાજા પાસે ગયા હતા. દરવાજા પાસે બેગ મૂકી રહ્યા હતા ત્યારે અચાનક વિજય ચાલુ ટ્રેનમાંથી પાડયા હતા. હું પાછળથી બે બેગ લઈને દરવાજા પાસે પહોંચી એટલા વખતમાં તો મેં તેમને દરવાજા પરથી નીચે પટકાતા જોયા હતા.  એથી મેં બૂમાબૂમ કરી મુકી હતી. મેં ટ્રેનની ચેન ખેંચી છતાં પણ ટ્રેન ઉભી રહી ન હતી. ટ્રેન દાદર સ્ટેશન પર ઉભી રહી હતી. મને માહિમ સ્ટેશનથી ફોન આવ્યો કે તમારા પતિને વાગ્યું હોવાથી નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.  જોકે, ટ્રેક પર પટકાતાં ગંભીર ઈજાઓને કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.