હિલ-સ્ટેશન માથેરાનમાં વધતાં પ્રદૂષણ માટે ઘોડા જવાબદાર

ગ્રીન ટ્રીબ્યુનલની સમિતિનો અહેવાલ, ઘોડા બહુ ધૂળ ઉડાડે છે
અશ્વનોના તબેલા માથેરાનની હદની બહાર ખસેડવાનું સૂચન ઃ સ્થાનિકોના આરોગ્ય પર માઠી અસર
મુંબઈ - મુંબઈ નજીક આવેલા હિલ સ્ટેશન માથેરાનમાં વધતા જતા વાયુ પ્રદૂષણ માટે કારખાના જવાબદાર નથી, પણ ગિરીમથકના ઘોડા જવાબદાર છે એવો અહેવાલ ગ્રીન ટ્રીબ્યુનલ તરફથી ગઠિત કરવામાં આવેલી સમિતીએ આપ્યો છે. આ સાથે જ માથેરાનવાસીઓના આરોગ્ય પર થતી માઠી અસરની બાબત ધ્યાનમાં લઈ આ બધા ઘોડાના તબેલા માથેરાન કાઉન્સિલની હદની બહાર ખસેડવાની હિમાયત કરવામાં આવી છે.
માથેરાનમાં મોટર-વાહનો પર પ્રતિબંધ હોવાથી બધો વ્યવહાર ઘોડાથી થાય છે અને હિલ સ્ટેશન પર આવતા ટુરિસ્ટો ઘોડેસવારની મજા માણે છે તેમાંથી સંખ્યાબંધ અશ્વચાલકો અને ઘોડાવાળા આજીવિકા રળે છે. અત્યારે માથેરાનમાં ૪૬૦થી વધુ ઘોડા ફરે છે. આ ઘોડા કાચા રસ્તે ચાલે ત્યારે ઉડતી ધૂળને લીધે તેમ જ ઘોડાની લાદને લીધે પ્રદૂષણમાં સતત વધારો થતો જાય છે.
માથેરાન ઇકો-સેન્ઝિટિવ ઝોનમાં આવેલું હોવાથી વાહનો પર પ્રતિબંધ છે. એટલે નેરળથી દસ્તુરી નાકા સુધી જ કાર અને બીજા વાહનો જાય છે. માથેરાનની અંદર વાહનો પર પ્રતિબંધ છે. એટલે સ્થાનિકોએ માથેરાનની અંદર ઘોડા પર ફરવું પડે છે અને માલવહન પણ ઘોડા મારફત થાય છે. આ સિવાય માથેરાન આવતા ટુરિસ્ટો માટે સૌથી મોટું આકર્ષણ ઘોડેસવારીનું છે. એટલે લાલ માટીવાળા કાચા રસ્તે ઘોડા સતત ફરતા રહેતા હોવાથી સતત ધૂળ ઉડતી રહે છે અને ત્રણ ટન લાદ રસ્તા પર ઠલવાય છે. આને લીધે વધતા જતા પ્રદૂષણને કારણે માથેરાનવાસીઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. તેઓ શ્વસનતંત્રની અને બીજી બીમારીઓનો ભોગ બને છે.
માથેરાનના ત્રસ્ત નાગરિકો વતી સુનીલ શિંદે અને કેતન રમાનેએ વધતા જતા પ્રદૂષણ અંગે ગ્રીન ટ્રીબ્યુનલના પશ્ચિમ વિભાગની ખંડપીઠ સમક્ષ યાચિકા દાખલ કરી હતી. ન્યાયમૂર્તિ દિનેશ સિંહ અને સુજિત વાજપેયીની બેન્ચે આ યાચિકાની નોંધ લઈને પ્રદૂષણની સમસ્યાનો અભ્યાસ કરવા માટે પર્યાવરણ મંત્રાલય, મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળ અને માથેરાન નગરપાલિકાના અધિકારીઓની એક સમિતિ રચી હતી. પર્યાવરણ નિષ્ણાતોની સહાયથી આ સમિતિએ ચોમાસા પહેલાં, ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી એમ ત્રણ તબક્કામાં માથેરાનના પ્રદૂષણના પ્રમાણનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં એવું તારણ નીકળ્યું હતું કે પ્રદૂષણ માટે ઘોડા જવાબદાર છે.
અશ્વોને કારણે ફેલાતા પ્રદૂષણને ઘટાડવા માટે ઘોડાના તબેલા માથેરાન નગરપાલિકાની હદની બહાર ખસેડવા સહિતના ઉપાયો બાબત વિચારણા થઈ રહી છે.









