નવનીત રાણા સામે એફઆઈઆર પર હાઈકોર્ટે સ્પષ્ટતા માગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માતોશ્રી પર હનુમાન ચાલીસા પઠનનો કેસ
ધરપકડ પહેલાં એફઆઈઆર નોંધાઈ હતી કે નિવાસસ્થાને પહોંચ્યા પછી? સરકારને સોગંદનામું દાખલ કરવા આદેશ
મુંબઈ - ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના નેતા નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા સામે એફઆઈઆર ક્યારે દાખલ કરવામાં આવી હતી એની સ્પષ્ટતા કરતું સોગંદનામું દાખલ કરવા રાજ્ય સરકારને હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે.
૨૦૨૨માં તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાના કેસ સંબંધમાં આ નિર્દેશ અપાયો છે.
પોલીસે રાણા દંપતીને તેમના નિવાસસ્થાને ધરપકડ કરવા જવા પહેલાં એફઆઈઆર નોંધાઈ હતી કે પહોંચ્યા પછી એની સ્પષ્ટતા કરવાનો સરકારને આદેશ આપ્યો છે.
દંપતીની રિવિઝન અરજી પર દલીલો સાંભળ્યા બાદ આ નિર્દેશ અપાયો હતો. વિશેષ કોર્ટે ૨૦૨૪ના આપેલા આદેશને પડકારવામાં આવ્યો હતો જેમાં તેમને નિર્દોષ જાહેર કરવાનો ઈનકાર કરાયો હતો.
દંપતી વતી દલીલ કરાઈ હતી કે એફઆઈઆર ૨૩ એપ્રિલ ૨૦૨૨ના રોજ સાંજે ૫.૨૩ વાગ્યે નોંધાઈ હતી જ્યારે તે જ દિવસે ૫.૦૩ વાગ્યે સ્ટેશન ડાયરીનેએન્ટ્રીને ટાંકવામાં આવી હતી, જ્યારે ખાસ પોલીસ અધિકારીઓ દંપતીની ધરપકડ કરવા સ્ટેશનથી નીકળ્યા હતા.આનો અર્થ કે એફઆઈઆર અસ્તિત્વમાં નહોતી ત્યારે તેઓ ધરપકડ માટે નીકળ્યા હતા. આથી તેમને દંપતીની ધરપકડ કરવાનો કોઈ અધિકાર નહોતો. ધરપકડના ૨૦ મિનિટ બાદ એફઆઈઆર દાખલ થઈ હોવાની દલીલ કરાઈ હતી.
સરકારી વકીલે દલીલ કરીને વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે એ જ દિવસે સાંજે ૪.૩૦ વાગ્યે પોલીસને માહિતી મળતાં તરત એફઆઈઆર નોંધાઈ હતી અને ૫.૦૩ વાગ્યે સ્ટેશન ડાયરીમાં નોંધાયેલી એન્ટ્રીના ઘણા સમય પહેલાં નોંધાઈ હતી.
કોર્ટે સવાલ કર્યો હતો કે દંપતીએ ખરેખર માતોશ્રીનો ઘેરો ઘાલીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પ્રયાસ કર્યો હતો કે પછી કર્યો હતો જોકે બચાવ પક્ષે વાતનો ઈનકાર કર્યો હતો.
કોર્ટે નોંધ કરીને સરકારી વકીલને એફઆઈઆર દાખલ કરવાના સમયના મુદ્દે વલણ સ્પષ્ટ કરતું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. વધુ સુનાવણી ૨૩ સપ્ટેમ્બર પર રાખવામાં આવી છે.




