Mumbai

હાઈકોર્ટે મ્યુ. કમિશનરને તતડાવતાં કોર્ટ સ્ટાફને ચૂંટણી ફરજના આદેશો રદ

By GS Team
6 Jan 20261 min read
હાઈકોર્ટે મ્યુ. કમિશનરને તતડાવતાં કોર્ટ સ્ટાફને ચૂંટણી ફરજના આદેશો રદ

કમિશનરે અધિકાર નહિ હોવા છતાં નિર્ણયની ભૂલ કબૂલી

તમને આવી કોઈ સત્તા નથી તેમ કહી હાઈકોર્ટે આકરી ભાષામાં ઠપકો આપતાં મ્યુ. કોર્પો.નો નિર્ણય

મુંબઈ -  અધિકારક્ષેત્રની બાહ્ય જઈને નિર્ણય લેવાયાનું કબૂલ કરીને મુંબઈ મહાપાલિકાના કમિશનર ભૂષણ ગગરાનીએ સોમવારે બોમ્બે હાઈકોર્ટને જાણ કરી હતી કે તેમણે નીચલી કોર્ટના સ્ટાફને ચૂંટણીની ફરજ માટે બોલાવવાનો નિર્દેશ પાછો ખેંચ્યો છે.

ગગરાનીના નિર્ણય પાછળનો કાનૂની આધાર શું છે ? એવો સવાલ કરીને કોર્ટે ખખડાવ્યા બાદ ઉક્ત રજૂઆત કરવામાં આવી હતી.

આગામી ચૂંટણી માટે વૈકલ્પિક માણસોની વ્યવસ્થા કરવા અને પોતાની જાતને બચાવવાની સલાહ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રશેખર અને ગૌતમ આંખડની બેન્ચે આપી હતી.

તમને કોર્ટ સ્ટાફને ચૂંટણી ફરજ માટે બોલાવવાની સત્તા કોણે આપી  ?તમને આવી કોઈ સત્તા નથી, એમ પાલિકા કમિશનરને કોર્ટે સોમવારે જણાવ્યું હતું. ગગરાનીના વકીલે કોર્ટમા ંકબૂલ્યું હતું કે આ નિર્ણય ભુલભરેલો હતો અને તેઓ વિધિવત તેને પાછો ખેંચી રહ્યા છે.

શેરીફની કચેરીમાંથી સ્ટાફ બોલાવવાનો રિટર્નિંગ ઓફિસરનો પત્ર પણ પાછો ખેંચવામાં આવ્યો હોવાનું કોર્ટને જણાવાયું હતું.

હાઈકોર્ટે ૩૦ ડિસેમ્બરે ન્યાયમૂર્તિના ઘરે વિશેષ સુનાવણી લઈને ગગરાનીના નિર્ણય પર સ્ટે આપ્યો હતો. પાલિકા કમિશનરને ચેતવણી આપવા છતાં પણ તેમણે ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટને પત્ર લખીને નીચલી કોર્ટના સ્ટાફને બાકાત રાખવાનો ઈનકાર કર્યો હતો.