Mumbai

ઓનલાઈન ક્રેડિટ કાર્ડ રિવોર્ડના નામે હાઈકોર્ટના જજ સાથે 6 લાખની છેતરપિંડી

By GS Team
8 Mar 20262 mins read
ઓનલાઈન ક્રેડિટ કાર્ડ રિવોર્ડના નામે હાઈકોર્ટના જજ સાથે 6 લાખની છેતરપિંડી

ઓનલાઈન કસ્ટમર કેરનો નંબર શોધીને ફોન કર્યો

વોટ્સએપ પર મળેલી લિંક દ્વારા ફાઈલ ડાઉનલોડ કરીને કાર્ડની વિગતો નાખતા પૈસા ઉપડી ગયા

મુંબઈ  -  બોમ્બે હાઈકોર્ટના એક જ્જે ઓનલાઈન કસ્ટમર કેરનો નંબર શોધીને કોલ કરીને તેમના ક્રેડિટ કાર્ડના પોઈન્ટ રિડીમ કરવાનો પ્રયાસ કરતા આરોપી દ્વારા આપવામાં આવેલ લિંક પરથી ફાઈલ ડાઉનલોડ કરીને કાર્ડની વિગતો નાખતા જ કાર્ડમાંથી રુ. ૬.૦૨ લાખથી વધુની ઉચાપત થઈ ગઈ હતી.  કફ પરેડ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

ફરિયાદ મુજબ, ૨૮ ફેબુ્રઆરીના રોજ બોમ્બે હાઈકોર્ટના જ્જ તેમના ક્રેડિટ કાર્ડ દ્વારા રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમયે ન્યાયાધીશે ક્રેડિટ કાર્ડ પર આપેલ નંબર પર કોલ કરવાનો પ્રયાસ કરતા ફોન લાગ્યો ન હતો.  તેથી બેંકના બીજા ક્રેડિટ કાર્ડ કસ્ટમર કેર નંબર માટે ઓનલાઈન શોધ કરી હતી.

આ સમયે એક નંબર તેમને મળ્યો હતો. આ નંબર અસલી હોવાનું માનીને તેમણે સંપર્ક કર્યો હતો. ફોન ઉપાડનારે કથિતિ રીતે પોતાને બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના પ્રતિનિધિ તરીકે ઓળખાવ્યો હતો અને ન્યાયાધીશને પોઈન્ટ રિડીમ કરવામાં મદદ કરવાની જાણ કરી હતી.

કોલ  કરનારે આ બાદ વોટ્સએપ દ્વારા એક એપ્લિકેશન ફાઈલ ડાઉનલોડ કરવા માટે એક લિંક મોકલી હતી અને ન્યાયાધીશને તેને ઈન્સ્ટોલ કરવા તથા રિવોર્ડ પોઈન્ટની પ્રક્રિયા કરવા માટે ક્રેડિટ કાર્ડની વિગતો ભરવા જણાવ્યું હતું.

આરોપીના જણાવ્યા મુજબ, ન્યાયાધીશે ફોનમાં આ ફાઈલ ડાઉનલોડ કરીને તેમાં કાર્ડની માહિતી દાખલ કરી હતી. વિગતો સબમિટ કર્યા પછી તરત જ તેમને તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર ક્રેડિટ કાર્ડ પર થયેલા ઘણા વ્યવહારનો માહિતી આપતો ઈમેલ મળ્યો હતો. પોતાની સાથે સાયબર છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ન્યાયાધીશે તાત્કાલિક બેંકમાં સંપર્ક કરીને કાર્ડ બ્લોક કરવા જણાવ્યું હતું. ત્યારબાદ ન્યાયાધીશે રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફોન કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. 

ફરિયાદના આધારે કફ પરેડ પોલીસે આ મામલે માહિતી ટેકનોલોજી અને ભારતીય  ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.