વિરારથી ઝડપાયેલું આઠ કરોડનું હેરોઇન પાકિસ્તાનથી આવ્યું હતું

રાજસ્થાન સરહદેથી ઓપરેટ કરતા સૂૂત્રધારની ધરપકડ
પાકિસ્તાનના ડ્રગ સપ્લાયર્સ દ્વારા ભારતમાં ડિલિવરી નેટવર્ક માટે રાજસ્થાનના સરહદી ગામોમાં રહેતા લોકોનો ઉપયોગ
મુંબઈ - વસઈ અને વિરારમાં ગઈ તા. ૧૧મી સપ્ટેમ્બરે ઝડપાયેલાં આઠ કરોડના ડ્રગનું પગેરુું પાકિસ્તાનમાં નીકળ્યું છે. રાજસ્થાન સરહદના એક ગામમાંથી આ નેટવર્ક ચલાવતા સૂત્રધારની ધરપકડ થઈ છે.
ગત ૧૧ સપ્ટેમ્બરના રોજ, વિરાર ક્રાઈમ બ્રાન્ચ સેલ-૩ ની ટીમે ફાદરવાડી રેજનાકા રોડ પર શ્રીપાલ ટાવર પર છટકું ગોઠવ્યું હતું અને ત્રણ આરોપીઓ ૪૯ વર્ષનો સમુંદર સિંહ દેવડા, ૨૮ વર્ષનો યુવરાજ સિંહ રાઠોડ અને ૩૮ વર્ષનો તકતસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ૮ કરોડ ૪ લાખ ૪૦ હજાર રૃપિયાની કિંમતનું ૨ કિલો ૧૧ ગ્રામ વજનનું હેરોઈન ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું અને તેમની સામે વાલીવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૃ કરવામાં આવી હતી.
તપાસ બાદ દાણચોરીના મુખ્ય સૂત્રધાર પંચાવન વર્ષીય હરીસિંહ તેજસિંહ રાવલોટી ભાટીની રાજસ્થાનના સિરોહીથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સામે વાલીવ પોલીસ સ્ટેશનમાં એનડીપીએ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આરોપી હરિસિંહ ભારત-પાકિસ્તાન સરહદ નજીક સતુ ગામમાં રહે છે. તેણે તપાસ દરમિયાન પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે આ ડ્રગ્સનો પુરવઠો પાકિસ્તાનથી સપ્લાય કરવામાં આવી રહ્યા છે. આરોપી પાકિસ્તાનમાં ડ્રગ સપ્લાયર્સના સંપર્કમાં છે અને જેસલમેર સરહદ નજીકથી તેની દાણચોરી કરી રહ્યો હતો, એમ વિરાર ક્રાઈમ બ્રાન્ચ સેલ ૩ ના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર શાહુરાજ રાણાવરેએ જણાવ્યું હતું.
તેલંગાણાથી ૧૨ હજાર કરોડ રૃપિયાના ડ્રગ્સ..
પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે તેલંગાણા રાજ્યમાંથી મીરા-ભાયંદર અને વસઈ-વિરારમાં ડ્રગ્સની દાણચોરી થઈ રહી હતી. આ પૃભૂમિમાં, ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે તેલંગાણા રાજ્યમાં ફેક્ટરીઓ પર દરોડા પાડીને તેનો નાશ કર્યો હતો. લગભગ ૬ હજાર કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત ૧૨ હજાર કરોડ રૃપિયા હતી. પોલીસ કમિશનરેટના અધિકારક્ષેત્ર હેઠળ આ સૌથી મોટી કાર્યવાહી હતી.









