મેટા, ગૂગલ , એક્સ પર ગડકરીનો 11 કરોડનો બદનક્ષીનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઈથેનોલ મુદ્દે ડીપ ફેક, એઆઈ જનરેટેડ કન્ટેન્ટ બદલ દાવો
- ગડકરીની દલીલ, ઈથેનોલ નીતિ મારી વ્યક્તિગત નહીં પરંતુ કેન્દ્ર સરકારની નીતિ છે : અરજી પર હાઈકોર્ટમાં પાંચમી ઓગસ્ટે સુનાવણી
મુંબઈ : ઈથેનોલ મુદ્દે થઈ રહેલી માનહાનિકારક ડીપફેક અને એઆઈ જનરેટેડ પોસ્ટસ બદલ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગૂગલ, મેટા, એક્સ સહિતની કંપનીઓ તથા અન્ય ત્રાહિત લોકો વિરુદ્ધ ૧૧ કરોડનો બદનક્ષીનો દાવો કર્યો છે. ગડકરીના દાવાની સુનાવણી બોમ્બે હાઈકોર્ટે આગામી તા. પાંચમી ઓગસ્ટે રાખી છે.
ગડકરીએ પોતાની અરજીમાં, બધી નકલી અને બનાવટી સામગ્રીને તાત્કાલિક દૂર કરવાની અને આવી સામગ્રીના પ્રસાર સામે મનાઈ હુકમ આપવાની માંગ કરી હતી. પ્રતિવાદીઓએ કેસની નકલ અપાઈ નહોવાનું જણાવતાં ન્યાયાધીશ આરિફ ડોક્ટરની બેન્ચે તેમને નકલ આપવાનો નિર્દેશ આપ્યા બાદ સુનાવણી મોકૂફ રાખી હતી.
ગડકરીના સિવિલ દાવામાં જણાવાયું છે કે ઇથેનોલ-મિશ્રિત ઇંધણ મુદ્દા અંગે ઘણી નકલી, એઆઈ-જનરેટેડ અને બદનક્ષીભરી પોસ્ટ્સ ઓનલાઇન ઉપલબ્ધ છે.
અજાણ્યા વ્યક્તિઓએ પોસ્ટ્સ અને ડીપફેક સામગ્રી અપલોડ અને પ્રસારિત કરી છે જેમાં તેમને આ નીતિ માટે વ્યક્તિગત રીતે જવાબદાર તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે, અને આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને અને તેમના પરિવારને તેનાથી આથક ફાયદો થયો છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આનાથી ગડકરીની પ્રતિષ્ઠા અને વ્યક્તિત્વના અધિકારોને ન ભરવાપાત્ર નુકસાન થયું છે. ઓનલાઈન પોસ્ટ્સમાં કરવામાં આવેલા આરોપો ખોટા, દુર્ભાવનાપૂર્ણ અને શંકાના કોઈ અંશે પણ ઘોર બદનક્ષીભર્યા છે, દાવોમાં જણાવાયું છે કે તે ગડકરી વિરુદ્ધ ભ્રામક જાહેર ધારણા ઊભી કરવા માટે રચાયેલ છે.
તેમાં જણાવાયું હતું કે ઇથેનોલ-બ્લેન્ડિંગ પ્રોગ્રામ અને ઈ૨૦ નીતિ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે, તેમના દ્વારા વ્યક્તિગત રીતે નહીં.
જ્યારે અરજીમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વાજબી જાહેર ચર્ચા અથવા સાચી ટિપ્પણીઓને દબાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી,પરંતુ દાવો કરવામાં આવ્યો હતો કે અવિચારી અને બદનક્ષીભર્યા આરોપો કાયદેસર અભિવ્યક્તિની સીમા ઓળંગી ગયાં છે.




