નાલાસોપારામાં બિલ્ડર પાસેથી ખંડણી માગતા ભાજપના ચાર કાર્યકર ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બાધકામ ચાલુ રાખવું હશે તો પૈસા આપવા પડશે તેમ કહી ધાકધમકી
ભાજપનાં મહિલા કોર્પોરેટર પ્રિચી પવારના પતિનું વાહન લઈ ધમકી આપવા આવ્યા હોવાથી તેમની ભૂમિકા પણ તપાસાશે
મુંબઈ - નાલાસોપારામાં એક બિલ્ડર પાસેથી ૫૦,૦૦૦ રૃપિયાની ખંડણી માંગવા, જાતિ આધારિત અપશબ્દો બોલીને દુર્વ્યવહાર કરવા અને હેરાનગતિ કરવાના આરોપસર નાલાસોપારા પોલીસે ભાજપના ચાર પદાધિકારીઓ અને કાર્યકરોની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ ખંડણી સહિત અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી ગજાનન બસવંત નાલાસોપારા-વેસ્ટના શ્રીપ્રસ્થ વિસ્તારમાં જમીનનો એક પ્લોટ ધરાવે છે. ૨૨ ઓગસ્ટના રોજ ચાર વ્યક્તિઓ ફોર વ્હીલર વાહનમાં તેમના પ્લોટ પર આવી પહોંચ્યા હતા. તેમણે બસવંતને બાંધકામ માટે કોની પાસેથી પરવાનગી લેવામાં આવી છે તે અંગે પૂછપરછ કરી હતી. ગજાનન બસવંતે તેમને જણાવ્યું હતું કે તેઓ પોતાના ઉપયોગ માટે ઘરનું બાંધકામ કરી રહ્યા છે. ફરિયાદ મુજબ, ત્યારબાદ મુખ્ય આરોપી રીતિક પોલે બસવંતને ત્રાસ આપ્યો હતો અને જાતિ આધારિત શબ્દોનો ઉપયોગ કરીને દુર્વ્યવહાર કર્યો હતો. ફરિયાદમાં ગજાનન બસવંતે એવો પણ આરોપ મૂક્યો છે કે આરોપીઓએ તેમને બાંધકામ ચાલુ રાખવું હોય તો ૫૦,૦૦૦ રૃપિયા આપવાની માંગણી કરી હતી.
ફરિયાદના આધારે નાલાસોપારા પોલીસે રીતિક પોલ, જીલ્સન સોનાર, ગોવિંદ પુરબિયા અને સુબોધ આવ્હાડ વિરુદ્ધ ખંડણી અને અત્યાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા ચારેય આરોપીઓ ભાજપના પદાધિકારી અથવા કાર્યકરો છે.
દરમિયાન, પોલીસે જણાવ્યું હતું કે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલું ફોર વ્હીલર વાહન ભાજપના કોર્પોરેટર પ્રિચી પવારના પતિ પ્રિતેશ પવારના નામે હોવાનું સામે આવ્યું છે. આ વાહન આરોપીઓ સુધી કેવી રીતે પહોંચ્યું અને પ્રિતેશ પવારની આ સમગ્ર ઘટનામાં કોઈ ભૂમિકા છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




