Mumbai

ફાર્મસી ડિપ્લોમા કોર્સની કોલેજનું પ્રથમ વર્ષ 6 મહિનાનું થશે

By GS TEAM
22 Oct 20252 mins read
ફાર્મસી ડિપ્લોમા કોર્સની કોલેજનું પ્રથમ વર્ષ 6 મહિનાનું થશે

પીસીઆઈ તરફથી માન્યતા મળવામાં વિલંબ

ઑક્ટોબર અંતમાં વર્ષ શરુ થયું અને ૩૦મી એપ્રિલથી વાર્ષિક પરીક્ષા; છ મહિનામાં વર્ષનો કોર્સ શીખવાશે

મુંબઇ -  ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા મળવામાં વિલંબ થતાં આ વર્ષે પણ રાજ્યની ફાર્મસી ડિપ્લોમા કોર્સની કોલેજોનું પ્રથમ વર્ષનું શૈક્ષણિક વર્ષ છ મહિનાનું થશે. મહારાષ્ટ્ર સ્ટેટ ટેક્નિકલ એજ્યુકેશન બોર્ડે આ ડિપ્લોમા કોર્સેસનું પ્રથમ વર્ષનું ટાઈમટેબલ જાહેર કર્યું છે અને તે મુજબ વાર્ષિક પરીક્ષા ૩૦ એપ્રિલ ૨૦૨૬થી શરુ થશે.

ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી કોર્સની અનેક સંસ્થાઓને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા આપવામાં થયેલા વિલંબને લીધે ઑક્ટોબરના પ્રથમ અઠવાડિયે પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ. ત્યારબાદ શૈક્ષણિક વર્ષની શરુઆત પ્રવેશના બે રાઉન્ડ બાદ ૨૪ ઑક્ટોબરથી થઈ હોય ૧૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થશે.

સામાન્યપણે આ સત્ર નવથી દસ મહિનાનું હોય છે. પરંતુ માન્યતા મોડી મળતાં કૉલેજ શરુ થવામાં ઑક્ટોબરનો અંત આવી ગયો. આથી આ વર્ષે વિદ્યાર્થીઓને માત્ર ચારથી પાંચ જ મહિનાનો સમયગાળો મળશે. તે દરમ્યાન ત્રણ ઈન્ટરનલ પરીક્ષા લેવાશે. જેમાં પહેલી ૧૫ થી ૧૯ ડિસેમ્બર ૨૦૨૫, બીજી ૯ થી ૧૪ ફેબુ્રઆરી ૨૦૨૬ અને ત્રીજી છ થી ૧૦ એપ્રિલ દરમ્યાન થશે. ફાઈનલ પ્રેક્ટિકલ પરીક્ષા ૨૦ થી ૨૫ એપ્રિલ ૨૦૨૬ અને થીઅરી પરીક્ષા ૩૦ એપ્રિલથી શરુ થશે. 

દરમ્યાન વિદ્યાર્થીઓ, શિક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે, અભ્યાસક્રમ છ મહિના શીખવશે પરંતુ તેની ફી તો વર્ષની પૂરેપૂરી જ લેવામાં આવશે. સંપૂર્ણ અભ્યાસક્રમ આટલાં ઓછાં સમયગાળામાં પૂર્ણ કરવો અશક્ય છે. પીસીઆઈ દ્વારા માન્યતા મોડી મળતી હોવાથી આવી મુશ્કેલીઓ ઉદ્દભવતી હોવાનું પણ તેમનું કહેવું છે.