પાનમસાલાની પરોક્ષ જાહેરાત માટે શાહરૂખ, અજય દેવગણ અને ટાઈગરને FDAની નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ: મહારાષ્ટ્ર એફડીએ દ્વારા શાહરુખ ખાન, અજય દેવગણ તથા ટાઈગર શ્રોફને વિમલ ઈલાયચીની જાહેરખબરો કરવા બદલ શો કોઝ નોટિસ ફટકારી છે. એફડીએના આરોપ અનુસાર તેઓ ઈલાયચીના બહાને પરોક્ષ રીતે પ્રતિબંધિત પાનમસાલા તથા તમાકુ ઉત્પાદનોની જાહેરાતો કરી રહ્યા છે. એફડીએએ આ કલાકારોને આ જાહેરાતો બંધ કરવા તથા તેમનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ, વેબસાઈટ તથા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પરથી તેનું પ્રમોશનલ કન્ટેન્ટ તત્કાળ દૂર કરવાનો આદેશ પણ આપ્યો છે. મહારાષ્ટ્રમાં તુકારામ મુંઢેએ એફડીએ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ટોચનાં રેસ્ટોરાં, ડેરીઓ, દવા અને કોસ્મેટિક્સ કંપનીઓ, ઈ કોમર્સ કંપનીઓ તથા સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓની કેન્ટિનો પર પણ દરોડા સહિતની કાર્યવાહી બાદ હવે બોલિવુડ કલાકારોને નિશાન બનાવાતાં ખળભળાટ મચી ગયો છે.
એફડીએ દ્વારા જણાવાયું છે કે આ અભિનેતાઓની જાહેરાતમાં વિમલ ઈલાયચી બ્રાન્ડનો શબ્દ પ્રયોગ થાય છે. પરંતુ તે દેખીતી રીતે જ વિમલ પાનમસાલા બ્રાન્ડ સાથે સંબંધ ધરાવે છે. આમ, આ કલાકારોની જાહેરાતો પરથી લોકો પાનમસાલા તથા તમાકુ ઉત્પાદનોનાં સેવન તરફ પ્રેરાઈ શકે છે. આ બહુ ગંભીર મુદ્દો છે કારણ કે તેમની જાહેરાતમાં વિમલ પાનમસાલા સાથે સંકળાયેલી બ્રાન્ડનો જ ઉપયોગ થાય છે. એફડીએ દ્વારા ગઈ ૧૧મી ઓગસ્ટે આ ત્રણેય કલાકારોને નોટિસ પાઠવી આ બ્રાન્ડને એન્ડોર્સ કરવા બદલ ૧૫ દિવસમાં જવાબ રજૂ કરવા જણાવાયું છે. એફડીએએ આ નોટિસને આખરી નોટિસ ગણાવતાં કહ્યું છે કે તેમના દ્વારા થતી જાહેરાત કોઈ ખાદ્ય પદાર્થ માટેની ભ્રામક જાહેરાત સમાન છે અને તે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડઝ એક્ટ, ૨૦૦૬ની જોગવાઈઓનાં ઉલ્લંઘન સમાન છે.
એફડીએએ આ કલાકારોને હવે પછીથી આ બ્રાન્ડની પરોક્ષ જાહેરાતોમાં કોઈ રીતે ભાગ ન લેવા કે અન્ય કોઈ રીતે પ્રચાર-પ્રસારમાં નહિ જોડાવાની ચેતવણી આપી છે. સાથે સાથે એફડીએ દ્વારા આ કલાકારોને તેમણે આવી પરોક્ષ જાહેરાત કરતી વખતે પુખ્ત વિચારણા કરી હતી કે કેમ તેની વિગતો પણ રજૂ કરવા જણાવ્યું છે.
એફડીએ દ્વારા ટીવી તથા અન્ય માધ્યમો પર વિમલ ઈલાયચીની જાહેરાતોની સમીક્ષા બાદ આ નોટિસ અપાઈ છે. એફડીએ દ્વારા એવું તારણ રજૂ કરાયું છે કે આ જાહેરાતો વિમલ પાનમસાલા બ્રાન્ડ સાથે સંબંધ ધરાવે છે અને મહારાષ્ટ્રમાં આ પાનમસાલા પર પ્રતિબંધ છે.
એફડીએ દ્વારા આ કલાકારોને વિમલ ઈલાયચી વાસ્તવમાં સ્વતંત્ર પ્રોડક્ટ છે કે પછી તેના પ્રચાર દ્વારા વાસ્તવમાં વિમલ પાનમસાલાનો જ પ્રચાર કરવામાં આવે છે તેના દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવા પણ જણાવાયું છે. તેમને એન્ડોર્સમેન્ટ એગ્રીમેન્ટ, ઝુંબેશની બ્રીફ, પ્રોડક્ટની માહિતી, પેમેન્ટ અથવા એન્ડોર્સમેન્ટ વ્યવસ્થા તેમજ ઝુંબેશમાં સામેલ જાહેરાત એજન્સી અને બ્રાન્ડ માલિકની વિગતોની નકલો અને વિગતો પણ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. એફડીએએ જાહેરાત પ્રકાશિત કરનારાં તમામ માધ્યમોની વિગતો માગી છે. તેના પ્રસારનો સમયગાળો પણ જણાવ્યો છે.
એફડીએ દ્વારા ચેતવણી અપાઈ છે કે નિર્ધારિત મુદ્દતમાં જવાબ નહીં મળે તો હવે પછી વધુ કોઈ નોટિસ વિના કાર્યવાહી હાથ ધરાશે.









