ચાની દુકાનમાં છાપવામાં આવેલી 1 કરોડની નકલી નોટો જપ્ત

કોન્સ્ટેબલ રેકેટનો મુખ્ય સૂત્રધાર, મલાડના યુવકની સંડોવણી
કોલ્હાપુરના કોન્સ્ટેબલ, મુંબઇના યુવક સહિત પાંચની ધરપકડ
મુંબઈ - સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને દિવાળીમાં કથિત નકલી નોટ ફરતી કરવાના રેકેટનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર કોલ્હાપુરના પોલીસ્કોન્સ્ટેબલ, મુંબઇના મલાડના યુવક સહિત પાંચ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. કોન્સ્ટેબલની ચાની દુકાનમાં આ નકલી નોટ (ફેક કરન્સી) છાપવામાં આવી રહી હતી. પાંચસો રૃપિયાની અસલી નોટના બદલામાં ત્રણ નકલી નોટ આપવામાં આવી રહી હતી. પોલીસે ચાની દુકાનમાં દરોડો પાડી રૃા. એક કરોડની કિંમતની રૃા. ૫૦૦ અને રૃા. ૨૦૦ની નકલી નોટો, એક કલર ઝેરોક્ષ મશીન, એક સ્કેનર, પ્રિન્ટર, ૩ વાહન જપ્ત કરી વધુ તપાસ આદરી છે.
આ કેસના મુખ્ય આરોપીમાં પોલીસ કોન્સ્ટેબલ ઇબ્રાર આદમ ઇનામદાર (ઉં.વ.૪૪) તથા મુંબઇના મલાડ (પૂર્વ)ના રહેવાસી સિદ્ધેશ મ્હાત્રે (ઉં.વ.૩૮), તેમજ સુપ્રીત દેસાઇ, રાહુલ જાધવ, નરેન્દ્ર શિંદેની ધરપકડ કરાઇ છે. કોર્ટે તમામ આરોપીઓને ૧૩ ઓક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી આપી છે.
મિરજ- કોલ્હાપુર રોડ પર નીલજી બામણી પુલ પાસે એક શખસ નકલી નોટ વેચવા આપવાનો છે એવી માહિતી પોલીસને મળી હતી. જેના આધારે છટકું ગોઠવીને સુપ્રીત દેસાઇને રૃા. ૪૨ હજારની નકલી નોટ સાથે પકડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોલ્હાપુર પોલીસમાં ડ્રાઇળર તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઇનામદારની કસબા બાવડામાં આવેલી ચાની દુકાનમાં કલર ઝેરોક્સ મશીન પર નકલી નોટ છાપવામાં આવી હોવાનું માલૂમ પડયું હતું પછી પોલીસે આ ચાની દુકાનમાં દરોડો પાડી આ નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા પ્રિન્ટર, લેપટોપ, કલર ઝેરોક્સ મશીન અંદાજે રૃા. એક કરોડની કિંમતથી રૃા. ૫૦ અને રૃા. ૨૦૦ની નકલી નોટો જપ્ત કરી હતી. પોલીસઘટના સ્થળેથી એક કાર પણ કબજે કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગે પહેલી વખત આ નકલી નોટો બજારમાં ફરતી કરવાનો પ્રયાસ કર્યો હતો.








