Mumbai

એમએમએસ, એમસીએ કોર્સની પ્રવેશ પરીક્ષાના ફોર્મ શરુ

By GS Team
14 Jun 20261 min read
એમએમએસ, એમસીએ કોર્સની પ્રવેશ પરીક્ષાના ફોર્મ શરુ

મુંબઈ યુનિ.ના સીડીઓઈની વેબસાઈટ પર માહિતી

૧૯મી જુલાઈએ ઓનલાઈન પ્રવેશ પરીક્ષા લેવાશે

મુંબઈ -  મુંબઈ યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિસ્ટન્સ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન (સીડીઓઈ) દ્વારા ચલાવાતા માસ્ટર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (એમએમએસ) અને માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (એમસીએ) આ બે વર્ષીય કોર્સની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટેના ફોર્મ શરુ થઈ ગયા છે. ૩૦ જૂન સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે. તેમજ ૧૯ જુલાઈએ ઓનલાઈન પદ્ધતિએ આ પરીક્ષા લેવાશે.

પ્રવેશ પરીક્ષા માટેના ફોર્મ મુંબઈ યુનિવર્સિટીની સંબંધિત વેબસાઈટ પરથી ભરી શકાશે. એમએમએસ અને એમસીએ આ બંને કોર્સ યુજીસી અને એઆઈસીટી માન્યતાપ્રાપ્ત છે. બંને કોર્સની પાત્રતા, ફી, પ્રવેશ પરીક્ષા સંબંધિત વધુ વિગત યુનિવર્સિટીની સીડીઓઈની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

એમએમએસ કોર્સ માટે ૭૨૦ તો એમસીએ કોર્સ માટે ૨૦૦૦ વિદ્યાર્થીઓની પ્રવેશ ક્ષમતા છે. ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષથી એઆઈસીટીઈ તેમજ યુજીસીએ સીડીઓઈના એમએમએસ કોર્સને માન્યતા આપી હોય તે એમબીએ સમકક્ષ કોર્સ છે. એચઆર, ફાઈનાન્સ તેમજ માર્કેટિંગના ત્રણ વિષય માટે આ કોર્સ કરી શકાતો હોય છે. જ્યારે એમસીએ એ બે વર્ષનો સુધારિત કોર્સ છે. વિદ્યાર્થીઓએ અપાયેલ મુદ્દતમાં જ ફોર્મ ભરી લેવા, એવી સૂચના પણ મુંબઈ યુનિવર્સિટીએ આપી છે.