આતંકવાદી સંગઠન સાથે સંપર્ક રાખનારા એન્જિનિયરની ધરપકડ

પુણે આઈએસ મોડયુલ કેસમાં વધુ એક ધરપકડ
કોંઢવાના ઝુબેરના ઘરે સર્ચ ઓપરેશમાં વાંધાજનક સામગ્રી, અન્ય ગુનાહિત દસ્તાવેજો મળ્યાઃ ચોથી નવેમ્બર સુધી રિમાન્ડ
મુંબઈ - મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ) ટીમે આઇએસઆઇએચ મોડયુલ કેસમાં કોંઢવાથી ૩૨ વર્ષીય ઝુબેર હંગરગેકરની ધરપકડ કરી છે. તેના ઘરે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરાતા વાંધાજનક સામગ્રી અને અન્ય ગુનાહિત દસ્તાવેજો મળ્યા હતા.
આરોપી ઝુબેરની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૪ નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
મૂળ સોલાપુરનો કોમ્પ્યુટર એન્જિનિયર ઝુબેર હાલમાં કોંઢવામાં રહેતો હતો. તાજેતરમાં એટીએસએ આઇએસઆઇએસ મોડયુલ સંબંધિત કેસમાં કોંઢવા, વાનવડી, ખડકી સહિત પુણેમાં વિવિધ ભાગોમાં દરોડા પાડયા હતા. આ મામલામાં શંકાના આધારે ૧૮ લોકોને તાબામાં લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ૧૯ લેપટોપ, મોબાઇલ ફોન અન્ય સમગ્રી જપ્ત કરવામાં આવી હતી.
એટીએસને કેસની તપાસ દરમિયાન ઝુબેરની સંડોવણીની જાણ થઇ હતી. તે આતંકવાદી સંગઠનના સંપર્કમાં હોવાનું કહેવાય છે. તેની ગતિવિધિ પર નજર રાખ્યા બાદ પૂછપરછ કરવામાં આવી હતી. છેવટે એટીએસે કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી.
કોલ્હાપુર અને સાતારામાં જંગલોમાં બોમ્બની તપાસણી કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેમણે પુણેના કોંઢવા વિસ્તારમાં બોમ્બ બનાવવાની તાલીમ લીધી હતી.
આરોપી ઝુબેરના કોમ્પ્યુટરમાંથી કેટલીક વાંધાજનક માહિતી મળી છે. તે આ સંગઠનના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે.








