Mumbai

સાંતાક્રુઝ અને મીરા રોડની શાળાઓને બોમ્બથી ઉડાડવાની પોકળ ધમકીો

By GS TEAM
2 Dec 20252 mins read
સાંતાક્રુઝ અને મીરા રોડની શાળાઓને બોમ્બથી ઉડાડવાની પોકળ ધમકીો

શાળાઓને બોમ્બની ધમકીઓના ઈમેઈલનો ફરી સિલસિલો

સાંતાક્રુઝમાં શાળા ઉપરાંત નજીકના મેરેજ હોલ તથા સ્ટુડિયોને પણ ખાલી કરાવાયાઃ મીરા રોડમાં સવારે છ વાગ્યે બોમ્બ સ્કવોડ દોડી

મુંબઈ -  મુંબઈ તથા આસપાસના ઉપનગરોમાં શાળાઓમાં બોમ્બ મૂકાયાના પોકળ ઈમેઈલનો સિલસિલો ફરી શરુ થયો છે.  આજે સાંતાક્રુઝ તથા મીરા રોડમાં શાળાઓને આવી પોકળ ધમકીઓ મળતાં દોડધામ મચી હતી. જોકે, પોલીસ તપાસમાં કશું શંકાસ્પદ મળ્યું ન હતું. 

સાંતાક્રુઝ પશ્ચિમમાં બિલ્લા બોગ હાઈસ્કૂલ કેમ્પસમાં સોમવારે બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો એક ઈમેલ  સવારે ૯.૩૦ વાગ્યે મળ્યો હતો. આના કારણે બોમ્બ સ્કવોડ અને વિવિધ એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સ્કૂલ પરિસર તથા આસપાસની ઈમારતો ખાલી કરાવીને સઘન તપાસ હાથ ધરી હતી.

 પોલીસની ટીમ, આંતકવાદ વિરોધી ટુકડી અને બોમ્બ સ્કવોડની ટીમ સાથે શાળા પરિસરમાં પહોંચ્યા હતા. પોલીસે વધુમાં ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સેવાઓને પણ જાણ કરી હતી. 

આ બાદ બચાવ કામગીરી કરતાં શાળા પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે ઈમારત અને આસપાસના વિસ્તારોમાં સઘન શોધખોળ શરુ કરી હતી.

સંપૂર્ણ સલામતી સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓએ શાળાની નજીક આવેલ પ્રખ્યાત ગાયક સુરેશ વાડકરની માલિકીની આજીવન સ્ટૂડિયો અને તે જ સંકુલમાં સ્થિત એક લગ્ન માટેના હોલ સહિત નજીકની ઈમારતોે પણ ખાલી કરાવ્યા હતા અને આખા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યું હતું. જો કે, કંઈ ન મળતાં આ અફવા હોવાું જાહેર થયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ સોમવારે સવારે ૬ વાગ્યાની આસપાસ મીરા રોડની સિંગાપોર ઈન્ટરનેશનલ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ મળતાની સાથે જ કાશીમીરા પોલીસ સ્ટેશનને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસે શાળા અને શાળા પરિસરને તપાસ કરી હતી. જો કે, તપાસ બાદ સ્પષ્ટ થયું કે આ એક અફવા હતી. સાયબર પોલીસ સ્ટેશન ઈમેલના ચોક્કસ સોર્સની તપાસ કરી રહ્યું છે. અગાઉ મીરા-ભાયંદરની બે શાળાઓને બે શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપતો આવા ઈમેલ મળ્યો હતો.