Mumbai

અંધેરીમાં પાલતુ કૂતરાએ હુમલો કરતાં ઈલેક્ટ્રીશન ગંભીરપણે ઘાયલ

By GS Team
1 Feb 20262 mins read
અંધેરીમાં પાલતુ કૂતરાએ હુમલો કરતાં ઈલેક્ટ્રીશન ગંભીરપણે ઘાયલ

કૂતરાના માલિક સામે બેદરકારીનો ગુનો નોંધાયો

પીડીત મિત્રના ઘરેથી રાત્રિભોજન બાદ પગપાળા ઘરે પરત ફરી રહ્યો હતો તે સમયે ઘટના બની

મુંબઈ  - અંધેરી પૂર્વમા ૪૨ વર્ષીય ઈલેક્ટ્રીશિયન પર એક પાલતુ કૂતરાએ અચાનક હુમલો કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ કેસમાં એમઆઈડીસી પોલીસે પાલતુ કૂતરાના માલિક પર બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ઘટના ૨૮ જાન્યુઆરીના રોજ  રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં ૪૨ વર્ષીય સંજય પંચાલ ઘાયલ થયો હતો.

ઘટના મુજબ, સંજય તેના મિત્રના ઘરે રાત્રિભોજન કર્યા બાદ પગપાળા ઘરે પરત ફરી રહ્યો હતો.  ત્યારે અંધેરી પૂર્વમાં જય મહાકાલી ચાલ નજીક હંજર નગર પંપ હાઉસ વિસ્તાર પાસે એક પાલતુ કૂતરાએ અચાનક હુમલો કરતા સંજય ઘાયલ થોય હતો.

આ સમયે સંજયે કૂતરાને ધક્કો મારીને પોતાનાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કૂતરાએ હુમલો ચાલુ રાખ્યો હતો. ત્યારે  સ્થાનિકો અને કૂતરાનો માલિક તરત જ ઘટનાસ્થળે પહોંચી જતાં શ્વાનને સંજયથી અળગો કરવામાં આવ્યો હતો. આ સમયે સ્થાનિકો અને કૂતરાના માલિક ૩૫ વર્ષીય અનિલકુમાર પાંડે વચ્ચે દલીલ થઈ હતી.

દરમિયાન પીડીતે તરત જ ઈમરજન્સી નંબર પર કોલ કર્યો હતો અને પોલીસની મદદ માંગી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને  આ કૂતરો બાબુ રેવાલા ચાલના રહેવાસી પાંડેનો હોવાની પૃષ્ટિ કરી હતી.

આ બાદ પોલીસે સંજયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો અને સંજયના ફરિયાદના આધારે પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.