વૃદ્ધ વેપારીને ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી 58 કરોડ પડાવાયા

અત્યાર સુધીનું સૌથી મોટું ડિજિટલ એરેસ્ટ કૌભાંડ
72 વર્ષના વૃદ્ધ વેપારી તથા પત્નીને ધમકાવી ૧૮ જુદાં જુદાં ખાતામાં પૈસા જમા કરાવાયાઃ ઠગોને ખાતું વાપરવા આપનારા ત્રણની ધરપકડ
મુંબઇ - મુંબઇમાં અત્યાર સુધીના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં શેરબજારના એક ૭૨ વર્ષના વૃદ્ધ વેપારીએ ૫૮ કરોડ રૃપિયાની રકમ ગુમાવી હતી. વેપારી અને તેમના પત્નીને ઇડી અને સીબીઆઇના અધિકારી હોવાનું જણાવી ફ્રોડસ્ટરોએ તેમનું નામ મની લોન્ડરિંગના પ્રકરણમાં બહાર આવ્યું હોવાનું જણાવ્યું હતું.
અ ા બાબતે તેમની તપાસ ચાલી રહી છે તેવું કહી અને ડિજિટલ એરેસ્ટનો ભય બતાવી આ ફ્રોડ આચર્યું હતું. આ પ્રકરણે મહારાષ્ટ્ર સાયબર વિભાગે અત્યાર સુધીમાં મુંબઇથી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલા લોકોએ ફ્રોડસ્ટરોને તેમના ખાતા વાપરવા માટે આવ્યા હતા.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર આરોપીઓએ વૃદ્ધ વેપારીને તેમની ઓળખ ઇડી અને સીબીઆઇના અધિકારી તરીકે આપી હતી. તેમણે પીડિત વેપારીના પત્નીને જણાવ્યું હતું કે તેમનું અને તેમના પતિનું નામ મની લોન્ડરિંગના એક પ્રકરણમાં બહાર આવ્યું છે અને આ બાબતે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ બન્ને સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ધમકી ફ્રોડસ્ટરોએ આપી હતી. ત્યાર બાદ દંપતિ ફ્રોડસ્ટરોની જાળમાં ફસાઇ ગયું હતું અને તેમના કહેવાથી કરોડો રૃપિયા ટ્રાન્સફાર કરી દીધા હતા.
પોલીસે આપેલ વિગત અનુસાર શેરબજારમાં ટ્રેડિંગનં મોટું કામ કરતા વેપારીને ૧૯ ઓગસ્ટના પ્રથમવાર સંપર્ક કરવામાં આવ્યો હતો. ફોન કરનારે તેમની ઓળખ સુબ્રમણ્યમ અને કરણશર્મા તરીકે આપી હતી. આ બન્નેએ તેઓ કેન્દ્રીય તપાસ સંસ્થા ઇડી અને સીબીઆઇના અધિકારી હોવાનું જણાવ્યું હતું. ફ્રોડસ્ટરોએ પીડિત વેપારીને વોટ્સએપ વીડિયો કોલ કરી તેમના આઇડી અને આ કેસ બાબતના બોગસ કાગળો દર્શાવ્યા હતા. તેનાથી પીડિત અને તેમના પત્ની ગભરાઇ ગયા હતા. આ બન્ને ફ્રોડસ્ટરોએ વેપારીને ડિજિટલ એરેસ્ટની ધમકી આપી જો તેઓ તપાસમાં સહકાર નહીં આપે તો ઓનલાઇન નજરકેદ કરવામાં આવશે અને ૨૪ કલાક તેમના પર નજર રાખવામાં આવશે તેવું કહી ધમકાવ્યા હતા.
ઇડી અને સીબીઆઇના નામથી ગભરાઇ ગયેલા દંપતિએ ફ્રોડસ્ટરોના જણાવ્યા મુજબ વિવિધ બેન્ક ખાતાઓના આરટીજીએસ અને અન્ય માધ્યમથી બે મહિનાથી ઓછા ગાળામાં ૫૮ કરોડ રૃપિયા ટ્રાન્સ્ફર કરી દીધા હતા. વૃદ્ધ દંપતિને ત્યારબાદ જાણ થઇ હતી કે ઇડી અને સીબીઆઇના નામે તેમની સાથે ફ્રોડકરવામાં આવ્યું છે ત્યારબાદ તેમણે સાયબર પોલીસમાં ફરિયાદ કરતા ગયા અઠવાડિયે ભારતીય ન્યાય સંહિતા અને આઇટીએક્ટની વિવિધ કલમો હેઠળ અજાણ્યયા ફ્રોડસ્ટરો સામે ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી.
મહારાષ્ટ્ર સાયબરે આ પ્રકરણે ત્રણ વ્યક્તિને ઓળખી કાઢ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી. પોલીસે અબ્દુલ નાસિન ખુલ્લીની મુંબઇના પરાં મલાડથી જ્યારે અર્જુન કડવાસરા (૫૫) અને તેના ભાઇ જેઠારામ કડવાસરા (૩૫) ની મુંબઇ સેન્ટ્રલથી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ત્રણેય આરોપીઓના ખાતામાં ૨૫-૨૫ લાખની રકમ જમા થઇ હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ત્રણેયે ફ્રોડસ્ટરોને તેમના બેંક ખાતા વાપરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરી પોલીસે ફ્રોડના માસ્ટર માઇન્ડ અને અન્ય આરોપીને ઝડપી લેવાના પ્રયાસો શરૃ કર્યા છે.








