Mumbai

ઈડી દ્વારા ઈકબાલ મિર્ચીની 500 કરોડની મિલ્કતો જપ્ત કરાશે

By GS Team
16 May 20262 mins read
ઈડી દ્વારા ઈકબાલ મિર્ચીની 500 કરોડની મિલ્કતો જપ્ત કરાશે

વર્લીમાં વ્યૂહાત્મક સ્થળે પ્રોપર્ટીઓ છે

જુહૂની હોટલ ઉપરાંત મહાબળેશ્વરનો પ્લોટ પણ કબ્જેઃ જાહેર હરાજી કરવામાં આવશે

મુંબઇઈડીએ મુંબઈના વર્લી વિસ્તારમાં  દાઉદ ઈબ્રાહિમ ગેંગના ઇકબાલ મિર્ચીની ત્રણ આલીશાન મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી આરંભી છે. આ મિલકતોની બજાર કિંમત આશરે ૫૦૦ કરોડ રૃપિયા હોવાનું કહેવાય છે. કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, ખાસ કોર્ટે આ જપ્તીને લીલી ઝંડી આપી છે.

વર્લીમાં વ્યૂહાત્મક સ્થળોએ આવેલી જે મિલકતો પર  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્યવાહી આરંભી છે તેમાં 'સી વ્યૂ', 'મરિયમ લોજ' અને 'રાબિયા મેન્શન' જેવી ઈમારતોનો સમાવેશ થાય છે. આશરે ૧.૨ એકર વિસ્તારમાં ફેલાયેલી આ મિલકતો ૧૯૮૬માં એક ભાગીદારી પેઢી દ્વારા ખરીદવામાં આવી હતી. આ મિલકતો ફક્ત ટ્રસ્ટના નામે દર્શાવવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં તે મિર્ચીના કબજામાં હતી. નોંધનીય છે કે, ૨૦૦૫માં ખોટી માહિતી આપીને આ મિલકતોને કાનૂની  ગૂંચમાંથી  બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો ખુલાસો હવે તપાસ એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે.

ઇકબાલ મિર્ચીનું ૨૦૧૩માં લંડનમાં અવસાન થયું હતું. તેના પરિવારને ખાસ અદાલત દ્વારા ભાગેડુ આથક અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. આ નવો કાયદો તપાસ એજન્સીને આરોપીઓની મિલકતોની હરાજી કરવાની વિશેષ સત્તા આપે છે.

 વર્લીમાં ઇમારતો ઉપરાંત, વહીવટીતંત્રે જુહુમાં મિનાસ હોટેલ' અને મહાબળેશ્વરમાં એક મોટા ફાર્મહાઉસનો પ્લોટ પણ પોતાના કબજામાં લઈ લીધો છે. મિનાસ હોટેલ જુહુ તારા રોડ પર આવેલી છે જેમાં મિર્ચીનો પુત્ર જુનેદ ભાગીદાર છે. જ્યારે મહાબળેશ્વરનું ફાર્મ હાઉસ મેટગુતાડ ગામમાં આવેલું છે, જે મિર્ચીની પત્ની હાજરા અને પુત્ર જુનેદ ના નામે હોવાનું કહેવાય છે.

એવી શક્યતા છે કે આ બધી મિલકતોની ટૂંક સમયમાં હરાજી કરવામાં આવશે અને પૈસા સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે.