મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષા માટે 'ઈટ રાઈટ' અભિયાન હાથ ધરાશેઃ તુકારામ મુંઢે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

'રાજકારણ મારીે પસંદગીનો માર્ગ નથી'
૧૫થી ૧૬ હજાર ખાદ્ય સંસ્થાઓની તપાસમાં અડધો અડધમાં ખામીઓઃ ૬૦૦નાં લાઇસન્સ સસ્પેન્ડ, ૫,૨૦૦ને સુધારાની નોટિસ
મુંબઈ - બજારમાં મળતો ખાદ્ય પદાર્થ કેટલો સુરક્ષિત છે?અને લોકો જે ખાય છે તેની ગુણવત્તા અંગે કેટલી જાગૃતિ ધરાવે છે? એવા સવાલો વચ્ચે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ ખાદ્ય સુરક્ષાને જનઆંદોલન બનાવવાની તૈયારી કરી છે. ખાદ્ય પદાર્થોેની ગુણવત્તા સુધારવા, ખાવા-પીવાની યોગ્ય આદતો વિકસાવવા અને ગ્રાહકોમાં જાગૃત લાવવા રાજ્યમાં 'ઈટ રાઈટ' અભિયાન શરૃ કરવામાં આવશે. એફડીએના કમિશનર તુકારામ મુંઢેએ શનિવારે મુંબઈમાં 'ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ ૨૦૨૬'માં આ જાહેરાત કરી હતી.
આ અભિયાન અંતર્ગત શાળાઓ, ખાદ્ય સંસ્થાઓ અને ધામક સ્થળો પર જાગૃતિ કાર્યક્રમો યોજાશે. ડિજિટલ માધ્યમો દ્વારા પણ લોકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થોની પસંદગી, યોગ્ય સંગ્રહ તથા ખોરાક સંભાળવાની પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવશે. ફ્રિજમાં ખાદ્ય પદાર્થોનો અયોગ્ય સંગ્રહ થવાથી દૂષિત થવાનું જોખમ રહે છે, તે અંગે પણ જાગૃતિ ફેલાવાશે.
મુંઢેએ જણાવ્યું હતું કે ખાદ્ય સુરક્ષા માત્ર સરકારી નિયંત્રણનો વિષય નથી. લોકો શું ખાય છે, કેટલું ખાય છે અને બાળકોને કેવો ખોરાક આપે છે, તેની સમજ હોવી જરૃરી છે. ગ્રાહકોએ રેસ્ટોરાં અને દુકાનોમાં મળતા ખોરાકની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવવા જોઈએ. આ અભિયાનને માત્ર સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ જનઆંદોલન બનાવવાનો તેમનો પ્રયાસ છે.
એફડીએએ અત્યાર સુધીમાં આશરે ૧૫થી ૧૬ હજાર ખાદ્ય સંસ્થાઓની તપાસ કરી છે. તેમાંથી લગભગ અડધો અડધ સંસ્થાઓમાં નિયમોના પાલન સંબંધિત ગંભીર ખામીઓ મળી આવી હતી. આશરે ૬૦૦ સંસ્થાઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કરાયાં છે. જ્યારે લગભગ ૫,૨૦૦ સંસ્થાઓને સુધારાત્મક પગલાં લેવા નોટિસ આપવામાં આવી છે.
મુંઢેના જણાવ્યા અનુસાર, જૂનથી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન મહારાષ્ટ્રમાં રૃ. ૧૧.૪૧ કરોડની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી હતી. તેની સામે અગાઉના સમગ્ર નાણાકીય વર્ષમાં રૃ. ૧૩.૬૪ કરોડની દવાઓ જપ્ત થઈ હતી.
વિભાગની કાર્યવાહી અંગે અદાલતી તપાસના સવાલ પર તેમણે જણાવ્યું હતું કે અદાલતના આદેશોનું સન્માન કરવામાં આવે છે. પ્રક્રિયા કે અમલીકરણમાં ભૂલ થઈ હોય તો સુધારો કરાશે. પરંતુ વિભાગનો પક્ષ યોગ્ય હોય તો કાયદાકીય ઉપાયો પણ અપનાવવામાં આવશે.
રાજકારણમાં પ્રવેશવાની અટકળો અંગે તેમણે કહ્યું કે રાજકારણ તેમનો પસંદગીનો માર્ગ નથી. તેઓ જાહેર સેવક તરીકે પોતાની હાલની જવાબદારી નિભાવવા અને મહારાષ્ટ્રને રહેવા માટે વધુ સારું સ્થળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.




