તપાસના બહાને પરિણીત મહિલા સાથે ડોક્ટર દ્વારા વિનયભંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિરારના બોલિંજમાં ખાનગી ક્લિનિકની ઘટના
પીડિતાની ફરિયાદ બાદ ૪૦ વર્ષીય ડોક્ટર સામે ગુનો નોંધાયો
વિરાર - વિરારના બોલિંજ વિસ્તારમાં સારવાર માટે આવેલી ૩૦ વર્ષીય પરિણીત મહિલા સાથે તબીબી તપાસના બહાને છેડતી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પીડિત મહિલાની ફરિયાદના આધારે બોલિંજ પોલીસે ૪૦ વર્ષીય ડોક્ટર સામે છેડતીનો ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પીડિત મહિલા નાલાસોપારા-ઈસ્ટ વિસ્તારમાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેની તબિયત સારી ન હોવાથી તે વિરાર-વેસ્ટના બોલિંજ વિસ્તારમાં આવેલા એક ખાનગી ક્લિનિકમાં સારવાર અને તબીબી તપાસ માટે ગઈ હતી. બુધવારે બપોરે ક્લિનિક પહોંચ્યા બાદ સંબંધિત ડોક્ટરે તેની તપાસ શરૃ કરી હતી.
મહિલાનો આરોપ છે કે તપાસ દરમિયાન ડોક્ટરે તબીબી તપાસના બહાને તેની સાથે અયોગ્ય વર્તન કરી છેડતી કરી હતી. ઘટના બાદ મહિલા ઘરે પરત ફરી હતી, પરંતુ ડોક્ટરના કથિત વર્તનથી તે પરેશાન થઈ ગઈ હતી. અંતે બીજા દિવસે તેણે હિંમત ભેગી કરી આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પીડિત મહિલાની ફરિયાદના આધારે બોલિંજ પોલીસે સંબંધિત ડોક્ટર વિરુદ્ધ વિનયભંગનો ગુનો નોંધ્યો છે. આ મામલે પોલીસ ઘટના સમયે ક્લિનિકમાં શું બન્યું હતું તેની તપાસ કરી રહી છે અને ફરિયાદમાં કરવામાં આવેલા આરોપોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
બોલિંજ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રકાશ કાવલેએ જણાવ્યું હતું કે, પીડિત મહિલાની ફરિયાદના આધારે આરોપી ડોક્ટર વિરુદ્ધ છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા આરોપી ડોક્ટરની પૂછપરછ કર્યા બાદ પુરાવા અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.









