પૂછપરછ માટે કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ સીધી ધરપકડ થાય એ ખોટું ઃ હાઈકોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજેન્દ્ર લોઢા સામેના મની લોન્ડરિંગ કેસમાં ઈડીની ઝાટકણી
કોર્ટ સમક્ષ અગાઉ રજૂ થઈ ચૂકેલી સામગ્રીના આધારે ધરપકડ એ બળજબરીપૂર્વક હાથ ધરાયેલી કાર્યવાહી જણાવી લોઢાને જામીન આપ્યા
મુંબઈ - એન્ફોર્મેન્ટ ડિરેક્ટોરેટ એકવાર કોઈ વ્યક્તિની પૂછપરછ માટે કોર્ટની મંજૂરી મેળવે અને પછી તે પૂછપરછ કાર્યવાહી પૂર્ણ કર્યા વિના સીધા જ તેની ધરપકડ કરી લે એ બહુ ગંભીર અને બળજબરીપૂર્વક હાથ ધરાયેલી કાર્યવાહી છે એમ ઠરાવી બોમ્બે હાઈકોર્ટે રાજેન્દ્ર લોઢાને જામીન પર મુક્ત કરવાનો આદેશ અપ્યો હતો.
મુંબઈ પોલીસે લોઢા ડેવલપર્સના ભૂતપૂર્વ પદાધિકારી રાજેન્દ્ર લોઢા સામે એફઆઈઆર નોંધી હતી. બાદમાં ઈડીએ પણ તેમની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
ઈડીએ મની લોન્ડરિંગની કલમ ૫૦ હેઠળ લોઢાની પૂછપરછ કરી નિવેદન રેકોર્ડ કરવા માટે સક્ષમ કોર્ટની પરવાનગી મેળવી હતી. જોકે, આ દરમિયાન ઈડીએ સીધા જ તેમની ધરપકડ કરી લીધી હતી. આ રીતે કોર્ટ સમક્ષ અગાઉ રજૂ કરાયેલી સામગ્રીના આધારે કોઈ વ્યક્તિની બાદમાં ધરપકડ કરી લેવી એ ખોટું છે એમ જસ્ટીસ મિલિંદ જાધવે અવલોકન કર્યું હતું.
કોર્ટે જણાવ્યું હતું કે ધરપકડનો આધાર એ જ સામગ્રી હતી જે પહેલાથી જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કબજામાં હતી, જેના આધારે એજન્સીએ લોઢાની પૂછપરછ કરવાની પરવાનગી માંગી હતી.
ન્યાયાધીશ મિલિંદ જાધવે કહ્યું કે એકવાર ઈડી આ સત્તાનો ઉપયોગ કરે છે અને આરોપીની પૂછપરછ માટે કોર્ટ પાસેથી પરવાનગી માંગે છે, તો તે પછીથી તે જ પ્રક્રિયાને અનુસર્યા વિના તે જ સામગ્રી પર આરોપીની ધરપકડ કરી શકતી નથી. જસ્ટિસ જાધવે નોંધ્યું હતું કે ઈડીએ પોતે કોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી, અને કહ્યું હતું કે લોઢાની પૂછપરછ કરવી અને તેમના કબજામાં રહેલી સામગ્રીના આધારે તેમનું નિવેદન નોંધવું જરૃરી છે. તેથી, તેમનું નિવેદન નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના તે સામગ્રીના આધારે તેમની ધરપકડ કરવી યોગ્ય નથી. આ અવલોકનો સાથે, હાઇકોર્ટે રાજેન્દ્ર લોઢાને પાંચ લાખ રૃપિયાના જામીન બોન્ડ પર જામીન આપ્યા હતા.




