શું ખેલાડીઓને ખબર હતી કે તેઓ 'નોન વેજ ચા' પી રહ્યા છે? હાઈકોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમસીએમાં નવેસરથી ઈન્સ્પેક્શનનો એફડીએનો આદેશ
અત્યારે તમામ કિચન બંધ હોવાથી ખેલાડીઓને ચા પણ આપી શકાતી નથી તેવી એમસીએની દલીલથી હાઈકોર્ટનો સવાલ
મુંબઈ - શું ખેલાડીઓને ખબર છે કે તેઓ નોન-વેજ ચા પી રહ્યા છ તેવો સવાલ ઉઠાવી બોમ્બે હાઈકોર્ટે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ના રસોડામાં જંતુઓ મળી આવ્યા હોવાનું નોંધીને એફડીએને સુવિધાનું નવેસરથી નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ગુરુવારે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) સત્તાવાળાઓ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવે તે પહેલાં તેણે એમસીએને તેના ભોજનાલયોના પરિસરને સાફ કરવા પણ કહ્યું છે.
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચ,ગંભીર ખાદ્ય સલામતી અને સ્વચ્છતાના ઉલ્લંઘન બદલ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ક્રિકેટ સંસ્થાના પરિસરમાં કાર્યરત પાંચ રેસ્ટોરાંના લાઇસન્સ સસ્પેન્ડ કરવાના એફડીએના નિર્ણયને પડકારતી એમસીએ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી.
એફડીએની દલીલ
એફડીએના મુજબ,એમસીએના નામે લાઇસન્સ જારી કરવામાં આવ્યા હોવા છતાં, ખાણીપીણીની દુકાનો બીજી એક એન્ટિટી, મેસર્સ શિર્કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ચલાવવામાં આવી રહી હતી. એફડીએના નિરીક્ષણ અહેવાલ મુજબ રસોડામાં વાંદા અને માખીઓ જોવા મળ્યાં હતાં. ફ્લોર લપસણો અને ગંદો હતો. જો સ્વચ્છતા ધોરણોનું ઘોર ઉલ્લંઘન થયું હોય, તો એફડીએ તાત્કાલિક લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લઈ શકે છે,એમ કોર્ટે જણાવ્યું હતું.
એમસીએની દલીલ
એમસીએ દ્વારા એવી દલીલ કરાઈ હતી કે એફડીએએ પહેલા સુધારાની નોટિસ જારી કરવી જોઈતી હતી જેથી આ ખામીઓ સુધારવાની તક મળે. એમસીએ દ્વારા જણાવાયું હતું કે હાલ તમામ રેસ્ટોરાં તથા ફૂડ કાઉન્ટર્સ બંધ હોવાથી એમસીએ મેદાન પર રમવા આવતા ક્રિકેટરોને ચા પણ આપી શકાતી નથી. આના પર, કોર્ટે મજાકમાં પ્રશ્ન કર્યો હતો કે શું ક્રિકેટરોને ખબર છે કે તેઓ માંસાહારી ચા પી રહ્યા છે. જોકે, કોર્ટે એમસીએને ખેલાડીઓને ચા/કોફી પીરસવા માટે વેન્ડિંગ મશીન સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી.
બેન્ચે વધુમાં જણાવ્યું હતું ક એફડીએ ગુરુવારે પાંચ ખાણીપીણીની દુકાનોનું નવેસરથી નિરીક્ષણ કરશે અને એમસીએ ત્યાં સુધીમાં પરિસરની સફાઈ કરશે.
નિયમપુર્તિ થયા બાદ કાર્યવાહી રદ થવી જોઈએઃ કોર્ટ
કોઈ રેસ્ટોરન્ટ/ખાવાની દુકાન ખામીઓ દૂર કરી દે તો તે પછી તેના પરનો સસ્પેન્શન ઓર્ડર તાત્કાલિક રદ કરવો જોઈએ. એફડીએનો હેતુ બર આવી ગયા પછી ફૂડ એકમનો પરવાનો સસ્પેન્ડ રાખી શકાય નહીં. આ મામલાની વધુ સુનાવણી ૨૯ ઓગસ્ટના રોજ મુલતવી રાખવામાં આવી છે.




